વાંકાનેર ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના નવાપરા રામકૃષ્ણ નગર કન્યા શાળા ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાના નિર્ણય લઈ પોતાના અધિકારોને જીવી અને જાણીને પોતાના સ્વપ્ન પુરા કરી શકે તે બાબત પર ભાર મુકી મહિલાઓને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી.

મહિલા સ્વાવલંબી બને તેમજ સમાજ અને પરિવારમાં તેનું વર્ચસ્વ બની રહે તે માટે સરકાર દ્વારા મહિલાઓ લગતી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, વિકલાંગ યોજના, નિરાધાર તથા વૃદ્ધ પેન્શન, ભરણ પોષણ કાયદો વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત કાર્યક્રમમાં મહિલા અને કિશોરીઓને તેમના હકો તથા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે સમજ આપી કિશોરી તથા બહેનોના પ્રશ્નો સાંભળી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર લગ્ધીરકા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના દેવ પ્રોજેક્ટના કો.ઓર્ડીનેટર મયુર સોલંકી, જિલ્લા બાળ વિકાસ વિભાગના રંજન મકવાણા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંલગ્ન સિનિયર સિટીઝન હેલ્પ લાઇન ૧૪૫૬૭ ના રાજદીપ પરમાર અને મહિલા કમિટીના બહેનો તથા અલગ અલગ વિસ્તારની કિશોરી તથા માતા અને બહેનોએ હાજરી આપી હતી.