ગત ૬ ડિસેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય-વિરપર ખાતે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ‘ગરબા ઓફ ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો. આપણા ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કો દ્વારા તા. ૦૬/૧૨/૨૦૨૩ના રોજ સાઉથ આફ્રિકાના બોત્સ્વાના ખાતેથી વર્લ્ડ હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવતા નાલંદા વિદ્યાલય ખાતે પ્રાચીન ગરબાની રમઝટ જામી હતી. આ ઐતિહાસિક પ્રસંગને સૌ લોકોએ નાલંદા વિદ્યાલય-વિરપર ખાતે સ્ક્રીન પર જીવંત પ્રસારણ માણ્યું હતું અને આ ઐતિહાસિત પ્રસંગની ઉજવણી કરી હતી.
રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત ‘ગરબા ઓફ ગુજરાત’માં ગુજરાતની સંસ્કૃત્તિની આગવી ઓળખ સમા પ્રાચિન ગરબાની પ્રસ્તુતિ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવને જીવંત રાખવા ગરબાને વર્લ્ડ હેરિટેજ, ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH) તત્વ તરીકે નામાંકન મળ્યું છે. તેના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત સહિત મોરબી ખાતે ‘ગરબા ઓફ ગુજરાત’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અને આ ઐતિહાસિક પળને માણવા માટે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ હિરલબેન વ્યાસ, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, તેમજ શિક્ષકશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને ગરબા પ્રેમી જન મેદનીએ રસભરી નિહાળ્યો હતો.
આ તકે ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તત્વ તરીકે ૧૫મું સ્થાન પામનાર ભાષા, કલા, સામાજિક તહેવાર, પ્રાકૃતિક, બ્રહ્મ જ્ઞાન અને પારંપરિક પ્રથાઓ, માનવીય અને ધાર્મિક એકતાને જોડતા આ ગરબાના નામાંકન ગૌરવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બોત્સ્વાના ખાતેથી કરાયું હતું. યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવ બાબત ગણીને ગુજરાત સરકારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.