૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના જન જનના સ્વપ્નને સાકાર કરી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, દરેક વ્યક્તિને સરકારી યોજનાઓ સાથે સાંકળવા ગામે ગામ ખુંદતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી મંદરકી ગામે
૨૦૪૭ નું ભારત એટલે વિકસિત અને આત્મનિર્ભર ભારત આ છે ભારતના જન જનનું સ્વપ્ન અને આ સપનાની ઉડાન તરફનું એક પગલું એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકની આંખોમાં છલકી રહ્યું છે અને હોઠ પર મલકી રહ્યું છે સૌના સપનાનું ભારત, વિકસિત ભારત. ત્યારે આ સપનાને સાકાર કરવા ભારતના દરેક વ્યક્તિ સુધી જન કલ્યાણની યોજનાઓ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાષ્ટ્રમાં ચલાવવામાં આવી રહી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી ગામે ગામ ખુંદી સરકારી યોજનાઓના લાભ સાથે છેવાડાના તેમજ વંચિત લોકોને સાંકળી લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના મંદરકી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામની બાળાઓએ અક્ષત ફૂલડે વધાવી રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવો હસ્તે મંદરકી ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રીને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી.
આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. શાળાની બાળાએ દ્વારા રાસાયણિક ખાતરની આડઅસરો અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતું પ્રકૃતિ સંવર્ધન માટેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
આ તકે મંદરકી ગામના પાદરે આવેલા ખેતરમાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરવા અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનની સાથે ખેડૂતોને યુરિયા ખાતરના ફાયદાઓ તેમજ ડ્રોન ટેકનોલોજીના ફાયદાઓ અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંદરકી ગામના સરપંચ, ગામના આગેવાનઓ, વિવિધ સરકારી કચેરીઓનાઅધિકારીઓ/કર્મચારીઓ તથા મંદરકીના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.