યંગ ઇન્ડિયા ગ્રુપ માત્ર મોરબીનું જ નહીં પણ ઘણા શહેરોનું રોલ મોડેલ બની ગયું , સામાજિક, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃત્તિઓ થકી દેશભક્તિને ઉજાગર કરતા દેવેનભાઈ રબારીએ પોતાના જન્મદિવસે શ્રેષ્ઠ જીવન જીવવાની શૈલીને વર્ણવી
મોરબી : કોઈની આંખોમાંથી ટપકતા દુખના આંસુને, હરખના આંસુમાં ફેરવી શકો ને તો સમજવું કે, આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે.બાકી સ્વાર્થ ખાતર તો પશુ પણ જીવે જ છે. તેવું મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવી પોતાના જન્મદિવસે શ્રેષ્ઠ જીવન જીવવાની જીવનશૈલીને વર્ણવી છે. જેમાં આમ તો જન્મદિવસ આવે એટલે જીવનનું એક વર્ષ ઓછું થયું ગણાય. પણ એ જન્મદિવસે આપણે કેટલું જીવ્યા ? કેવી રીતે અને કોને કોને ઉપયોગ થઈને જીવ્યા ? તેના સંસ્મરણો વાગોળવામાં આવે છે.ખાસ કરીને જન્મદિવસે દરેક માણસને મિત્રો,કુટુંબીજનો શુભેચ્છાઓનો ધોધ વરસાવતા હોય છે.
દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે,મને કરસદાન માણેકની એક પ્રેરણાદાયી કાવ્ય પંકિત યાદ આવે છે કે ” જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો.” કહેવાનો તાંતપર્ય એ છે કે, આપણું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી જાતે જ બળીને બીજાને સુગંધ આપે છે. એજ રીતે આપણે એક માણસ તરીકે બીજાને ઉપયોગી થઈને જીવન જીવીશું તો આપણા જીવનમાં કોઈ ભય, ચિંતા નહિ રહે. આજ પવિત્ર ધ્યેય સાથે જ્યારથી હું સમાજણો થયો ત્યારથી જ જીવનની સફર એક પોઝીટીવ ઉર્જા સાથે શરૂ કરી.જેનું પરિણામ આપ સહુની નજર સામે છે.
હું યુવા વયે પ્રબળ દેશભાવના સાથે પોલીસ દળમાં જોડાયો, પોલીસની નિષ્ઠાપૂર્વક ફરજ સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ શરૂ કરું. યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા પણ સ્પષ્ટ હતી. જો કે આપણે લશ્કરી જવાનની જેમ બોર્ડર ઉપર લડીને દેશસેવા ન કરી શકીએ તો પણ એક આદર્શ નાગરિક બનીને પણ દેશસેવા કરી શકીએ છીએ, આજ યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા છે.
આજના યુગમાં આદર્શ નાગરિક બનવું પણ કઠિન છે.ખાસ કરીને આજની ભગદોડ ભરી જીવનશૈલીમાં આપણે પરિવાર માટે પણ બે ઘડી ટાઈમ કાઢી શકતા નથી ત્યારે સમાજને ઉપયોગી થવાની વાત તો બાજુએ રહી.પણ જીવનમાં ઉત્સવો ઘણા આવે છે. જીવનની રોજબરોજની ઘટમાળમાંથી પણ ટાઈમ કાઢીને આપણે જાત જાતના ઉત્સવો ઉજવીએ છીએ. બસ આજ ઉત્સવોને યંગ ઇન્ડિયા ગ્રુપે નવીન પરંપરા થી ઉજવવાની પહેલ કરી.જેમાં સર્વધર્મ સંમભાવની વિચારધારાને જોડી દેવામાં આવી, નાત જાતના બંધન ઉપર ઉઠીને માત્ર ઇન્સાનીયતને ઉજાગર કરવી. યંગ ઇન્ડિયા ગ્રુપે દરેક ઉત્સવોને માત્ર જરૂરિયાત મંદ માણસોને ઉપયોગી થાય અને એમના ચહેરા ખુશીથી ખીલી ઉઠે એ રીતે ઉજવ્યા જેમકે દિવાળીઓ ની ઉજવણી અને દિવાળી ના દિપ એવા લોકો બાળકો સાથે પ્રગટાવ્યા જેમના ઘર માં તેલ નું ટીપુંય જોવા નથી મળતું. તેવા બાળકો ને ફટાકડા અને મીઠાઈ ના વિતરણ સાથે એમના હૃદય માં દિવાળી ઉજવી છે, વેલેન્ટાઈન ડે હોય જેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવી ઝોપડ પટ્ટી અને સરકારી શાળા ના બાળકો ને લક્ષ્યુરિયસ ગાડી માં મોરબી ની ગલીઓ ની શેર કરાવી ને મન ભાવતા ભોજનીયા કરાવ્યા છે, હોળી ના રંગો થકી અનાથ બાળાઓ ના સપનાઓ રંગ્યા છે, શ્રી રામ જન્મોત્સવ, નવરાત્રી, જન્માષ્ટમી, ઈદ, ક્રિસ્ટમસ, નાનક જયંતિ જેવા વિવિધ તહેવારો ની સવિશેષ ઉજવણી કરી છે. “લોહી માં છે માનવતા” અંતર્ગત કોઈના આકસ્મિક સમયે ૨૪×૭ રક્તદાન મુહિમ ચલાવી છે, લોકડાઉન સમયે ૨ લાખ જેટલાં લોકો ના ઘરે ઘરે જઈને રાશન પૂરું પાડ્યું છે, કોરોના જેવી મહામારી માં બધા ધર્મ અને બધા સમાજના લોકો નું વિચારીને સમરસ કોવિડ કેર સ્થાપિત કરી હજારો લોકોના જીવ બચાવ્યા છે. આવા તો અસંખ્ય પ્રકલ્પોના ને સાકાર કરી જરૂરિયાતમંદ લોકો ના હૃદય માં આગવું સ્થાન હાસિલ કર્યું છે… કહેવાય છે ને કે “હમ ચલતે ગયે ઓર કાંરવા બનતા ગયા” ની જેમ આજે ઘણા લોકો યંગ ઇન્ડિયાની આ વિચારધારાથી પ્રભાવિત થઈને ઉત્સવોને ધન્ય બનાવી દીધા. આજે યંગ ઇન્ડિયા ગ્રુપ માત્ર મોરબીનું જ નહીં પણ ઘણા શહેરોનું રોલ મોડેલ બની ગયું છે એ વાતનું મને આજે મારા જન્મદિવસે વિશેષ ગૌરવ છે. જન્મદિવસે હું મારા કર્મને લીધે એક આદર્શ નાગરિક બની શક્યો એ વાતનું મને ગૌરવ છે. તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.