સમાજમાં કુરિવાજો દૂર કરી એકતા જાળવી રાખવા માટે સૌને હાકલ કરાઈ
મોરબીના થોરાળા ગામના મોરબીમાં નિવાસ કરતા નાગરિકોના થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા પટેલ સમાજવાડી, શનાળા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોએ હસ્તે દીપ પ્રાગટય કરી આ સ્નેહ મિલન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજમાં એકતા જાળવી રાખવા માટે સૌએ પોતાનું યોગદાન આપવા માટે હાકલ કરવામાં આવી હતી. ઉપરાંત સમાજમાં હજી પણ ક્યાંક ક્યાંક રહેલા કુરિવાજો દૂર કરી વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે સૌને પ્રાસંગિક દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જે બાળકોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીની વરણી કરવામાં આવી હતી.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મૂળ થોરાળાના નિવાસી અને વર્ષોથી મોરબીમાં વસવાટ કરતા પરિવારો તથા થોરાળા ગામમાં નિવાસ કરતા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.