જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિ
સમગ્ર દેશના ખુણે ખુણાનું ગામડું વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનાં લાભને ઘર આંગણે જ મેળવી શકે તે માટે વિકસિત ભારતના સંકલ્પ યાત્રા મહત્વની પહેલ ચરિતાર્થ થઈ રહી છે. જે અન્વયે મોરબીના નાની વાવડી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ટંકારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ આ વિકસિત ભારત સંકલપ યાત્રા થકી ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની આ યાત્રામાં સૌને સહભાગી બનવા જણાવ્યું હતું.
આ રથ થકી કેન્દ્ર સરકારની ૧૭ યોજનાના લાભ વંચિતો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. દેશમાં કોઈપણ વ્યક્તિ આવાસ પાણી, વીજળી આરોગ્ય, શિક્ષણ વગેરે સવલતોથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત રાશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, ખેતીવાડી વિભાગની ટ્રેક્ટર સહાય અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ, સોઈલ હેલ્થ કાર્ડ, રાશન કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે નાની વાવડી ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના તથા ODF plus મોડેલ વિલેજ હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણી સર્વ ચંદુભાઈ શિહોરા, જયંતિભાઈ પડસુંબિયા, અરવિંદભાઈ વાંસદડિયા તથા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અને નાની વાવડીના ગ્રામજનો જોડાયા હતા.