‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
સાંસદએ બેઠકના મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજના, શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સુચનો કર્યા હતા.
બેઠકમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ લીલાપર રોડ પર નગર પાલિકાના આવાસોનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. સોઇલ હેલ્થ કાર્ડ વિતરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને મહિલા સુરક્ષા સબંધિત ચાલતા સેન્ટરોની કામગીરીની માહિતી મેળવી, કેસોના નિકાલ અંગે અધિકારીને સૂચના આપી હતી. વાસ્મો અંતર્ગત નવા પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. MCM શિષ્યવૃતી યોજનાની માહિતી મેળવી વિદ્યાર્થીઓને ઝડપથી શિષ્યવૃતી મળે તેવું આયોજન કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.