નોધારાનો આધાર અને દરેક ઘરનું અભિન્ન અંગ બન્યું આયુષ્માન કાર્ડ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને જન જનની સુખાકારી થકી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશની સાથે ગુજરાત રાજયમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અનવ્યે મોરબી જિલ્લામાં પણ સરકારશ્રી દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે મોરબીના માધાપર(ઓજી) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ તેમના વિસ્તારનો એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે, કેવી રીતે એક દીકરીને હૃદયની બીમારી હતી અને સરકારની આયુષ્માન કાર્ડની યોજના આશીર્વાદ બની અને દીકરીએ સાજા થઈ સરકારને આશીર્વાદ આપ્યા. આજે બાળક ઉદરમાં હોય ત્યાંથી લઈ અને દીકરી કોલેજ કરતી થાય ત્યાં સુધી આરોગ્યની જવાબદારી સરકાર ઉપાડે છે પછી જ તો તેમના મુખે સારું થાજો સરકારનું એવો ઉદગાર ન નીકળે તો બીજું શું નીકળે.
પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે જન જન સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને આ વિકસિત ભારત યાત્રા ચરિતાર્થ કરી રહી છે. લોકોની આર્થિક તેમજ સામાજિક ઉન્નતી માટે વિવિધ યોજનાઓ મહત્વની સાબિત થઈ રહી છે ત્યારે ભારતને વિકસિત બનાવવો હશે તો તમામે જનભાગીદારીથી કામગીરી કરવી પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિકસિત ભારતની ગાડી જન જનના સુખ અને લાભ માટેની ગેરંટી આપણા આંગણે લાવી છે. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીના નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ હેઠળ કેવી રીતે ૨ કરોડ દીકરીઓને તાલીમ આપવામાં આવનાર છે તેની વાત કરી હતી.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રા થકી ગામેગામ લોકોને અનેક યોજનાઓના લાભ મળી રહ્યા છે. મજૂરી કરતા પરિવારમાં અચાનક કોઈ બીમારી આવે ત્યારે નોધારાનો આધાર બની રહી છે આયુષ્માન કાર્ડની યોજના, જે આયુષ્માન કાર્ડ આજે દરેક ઘરનું અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે સૌને આયુષ્માન કાર્ડ કઢાવવા પણ તેમણે અપીલ કરી હતી.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે માધાપર(ઓજી) ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
શાળાના બાળકો દ્વારા ધરતી કહે પુકાર કે વસુધૈવ કુટુંબકમ તથા ધરાઓ ધરા કાર્યક્રમો રજૂ કરી પ્રકૃતિ સંરક્ષણ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય વગેરે વિષયો પર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પડસુંબિયા, ગામના સરપંચ ગણેશભાઈ નકુમ, અગ્રણી ગણેશભાઈ ડાભી, માધાપર(ઓજી) શાળાના શિક્ષકો અને સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.