મોરબી પગાર કાંડમાં મુખ્ય આરોપી રાણીબા સહિત બેના જામીન મંજુર

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં પોલીસે કુલ આઠ આરોપીની ધરપકડ કરી હતી જેમાં અગાઉ ૬ આરોપીને જામીન મળ્યા બાદ આજે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલને મોરબી કોર્ટમાંથી રાહત મળી છે.જેમા કોર્ટે બન્નેના રેગ્યુલર જામીન મંજુર કર્યા હતા.

મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં ૧૨ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી ડી ડી રબારીની ધરપકડ બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા બાદ રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલા અને જેનિથ ઉર્ફે જેનીયો ભીમાણી એમ કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

જે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં એડવોકેટ મનીષ ઓઝા મારફતે રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. મોરબી કોર્ટે બંને આરોપીએ કરેલી અરજીને માન્ય રાખતા બંને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે.

આ કેસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલ તરફે એડવોકેટ મનીષ (ગોપાલ) ઓઝા,રવિભાઈ.એમ.ફુલતરીયા મેનાજ પરમાર, નિરાલી એ. ભટ્ટ રોકાયેલા હતા.