વિશાલ જયસ્વાલ : હળવદ શહેર ના ગોરી દરવાજા વિસ્તારમાં નવા ઈસનપુર ગામે રહેતા અને સેન્ટીંગનું કામ કરતા ત્રણ ભાઈઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેય ભાઈઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ સારવાર હળવદમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં સારવાર કારગર નીવડે તે પહેલા એકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં સેન્ટિંગ અને ભરાઈ બાબતે મંગળવારે માથાકૂટ થઈ હતી.બનાવની ફરિયાદ મુજબ જે બાબતે નટુભાઈ ઉર્ફ દાઢી ડુંગરભાઇ પરમાર રહેવાસી હળવદ તેમજ સાહિલ નટુભાઈ પરમાર તેમજ અન્ય એક અજાણ્યો ઈસમ કુલ ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો જે માથાકૂટ ઉગ્ર બનતા ઈસનપુરથી સેન્ટીંગ કામ કરવા આવેલા ત્રણ ભાઈઓ પર અન્ય જૂથના લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
જેમાં રવિ ખોડાભાઈ સોનગ્રા, હિરેન સોનગ્રા અને જયદીપ સોનગ્રાને ઈજા પહોંચી હતી. રવિ અને હિરેનને વધારે ઈજા પહોંચતા તેમને પ્રથમ સારવાર હળવદની યુનિક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ વોકાહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગર નીવડે તે પહેલા રવિ ખોડાભાઈ સોનગ્રાનું મોત નીપજ્યું હતું. ત્યારે રવિના મૃત્યુના સમાચારથી દલવાડી સમાજમાં શોકની લાગણી વ્યાપી હતી. જોકે મારામારીનો બનાવ હત્યામાં પલટાતા ઘટનાને પગલે હળવદ પોલીસ પીએસઆઈ કે.એન.જેઠવા તથા સ્ટાફ તાત્કાલિક રાજકોટ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો હળવદ શહેરમાં આવેલા દલવાડી સતવારા સમાજમાં પડ્યા હતા. હળવદ માળિયા ચોકડી નજીકથી બાઈક રેલી યોજી ન્યાયની માંગ સાથે અંતિમયાત્રા નીકળી હતી તેમજ આરોપીને જલ્દીથી જલ્દી પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશન એ ફરિયાદી દ્વારા કુલ ત્રણ લોકો નટુભાઈ પરમાર રહેવાસી હળવદ શાહીલ નટુભાઈ ઉર્ફ દાઢી પરમાર તેમજ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે