મોરબી જિલ્લા પંચાયત ખાતે કેન્સર જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કેન્સર રોગની જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત મોરબી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ થી કેન્સર નિષ્ણાંતશ્રી ડો.દિવ્યેશ ગજેરા તથા મેડીકલ કોલેજ મોરબીનાં પ્રોફેસર કોમ્યુનીટી મેડીસીન વિભાગનાં શ્રી ડો.હિરેન સેખડા દ્વારા પ્રેઝેન્ટેશનનાં માધ્યમથી કેન્સર રોગ થવાના કારણો, તેની આર્થિક અસરો, શારીરિક અસરો, માનસિક અસરો અને તેની સારવાર વગેરે બાબતોથી સૌને માહિતગાર કર્યા હતા.

આ વર્કશોપમાં મોરબી જિલ્લામાં કેન્સર રોગથી પીડિત દર્દીઓએ પોતાની આપવીતી રજુ કરી હતી. જેમાં કેન્સર રોગની ભયાનકતા વિશે અને તમાકુના વ્યસનનાં કારણે આ રોગને તેઓ પોતે અને પોતાના કુટુંબને મુશ્કેલીનો સામનો કરવો પડે તે વિશે જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કોઈ પણ જાતના વ્યસન ન કરવા માટે નમ્ર અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિએ શ્રીમદ ભગવતગીતાના જ્ઞાન દ્વારા લોકોને કોઈ પણ પ્રકારનાં વ્યસનથી દુર રહેવા માટે ખાસ અપીલ કરી હતી. દરેક સરપંચશ્રીઓને પોતાના ગામમાં પંચાયતની ગ્રામ સભામાં વ્યસનમુક્ત ગામ બને તથા ગામના સરપંચ દ્વારા ગામ લોકોને વ્યસનમુક્તિ માટે સમજાવે તો ગામમાં દર વર્ષે ૫ લોકોને કેન્સર રોગ થતો અટકાવી શકાય તથા ગામમાં તમાકુના વેચાણ અટકાવવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ વર્કશોપમાં હાજર રહેલ તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા વ્યસનમુક્તિ અંગેના શપથ લેવામાં આવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે દ્વારા કરવામાં આવી હતી

આ વર્કશોપમાં મોરબી તાલુકાના સરપંચઓ તથા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિનાં ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ/કર્મચારીઓએ હાજર રહ્યા હતા