ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “સખી વન સ્ટોપ સેન્ટર”યોજના ઓગસ્ટ, ૨૦૧૬થી શરૂ કરવામાં આવી છે. ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ ‘સખી વન સ્ટોપ સેન્ટર’કાર્યરત કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પીડીત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે તમામ રાજ્યમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ ૨૪×૭ કલાક તથા ૩૬૫ દિવસ મળી રહે છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજનામાં જાહેર સ્થળ, ખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ માટે આશ્રયસ્થાન સાબિત થાય છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. મહિલાના વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક લાયકાત કે ઉમરના ભેદભાવ વિના સખીવન સ્ટોપ સેન્ટર યોજનાની સેવાનો લાભ લઈ શકે છે. જેમ કે ઘરેલુ હિંસા, શારીરિક હિંસા,જાતિય હિંસા, માનસિક હિંસા, એસિડ એટેક, મહિલાઓના અનૈતિક વ્યાપાર અન્ય કોઈપણ પ્રકારની હિંસા નો ભોગ બનેલ મહિલા વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ સ્થળ પર જવા આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેના સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે સરકાર શ્રીની ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની વાનની પણ મદદ લેવામાં આવે છે.
મોરબી જિલ્લામાં ‘સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપતા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી. કાતરીયાએ જણાવ્યું હતું કે, ‘સખી વન સ્ટોપ સેન્ટરના’ નવું નિર્મિત બિલ્ડીંગમાં માટે આશ્રય રૂમ તથા બે કાઉન્સેલિંગ રૂમ સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટરમાં પીડિત મહિલાઓને આશ્રય સાથે રહેવાની, ભોજન, ચા-નાસ્તો, કપડા, અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડવામાં આવે છે.”
પીડીતાઓનો આત્મવિશ્વાસ વધે પોતાના જીવનનો નિર્ણય લઈ શકે, હિંસા સામે ન્યાય મેળવી શકે તે માટે તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા યોગ્ય પરામર્શ સાધી જરૂર પડ્યે તે પીડિત મહિલાઓને તમામ પ્રકારની તબીબી સહાય જેવી કે, લેબોરેટરી,એક્સ- રે, સોનોગ્રાફી ઇમર્જન્સી સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે.પીડિતાને જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા સરકારી વકીલની મદદથી એફ.આઇ.આર,ડી.આઇ.આર દાખલ કરવા માટે પોલિસ અને કાયદાકીય સહાય માટે યોગ્ય દિશા સૂચન આપવામાં આવે છે અને મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે તાલીમ પણ આપવામાં આવે છે.
‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે અત્યાર સુધીમાં ૨૬૦ મહિલાઓને આ યોજના આશીર્વાદરૂપ નીવડી અને આ યોજના હેઠળ આવતા મોટાભાગના કેસોમાં સમાધાન કરાવી પરિવાર સાથે મહિલાઓનું સુખદ મિલન કરાવવામાં આવે છે. પરિવાર સાથે પૂન: મિલન કરાવ્યા બાદ મહિલાને કોઈ અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડે છે કે કેમ? પીડિત મહિલા પરિવાર સાથે ખુશ છે? તે અંગે ફોન દ્વારા તેમજ ગૃહ મુલાકાત કરી સ્મયંતરે ફોલોઅપ પણ કરવામાં આવે છે.