પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોની ખુશી એક કામયાબ કૃષિ યાત્રા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેડૂતોની આવક ડબલ થાય અને કૃષિ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવે એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આ અભિગમને સુપેરે આગળ વધારી રહી છે પ્રાકૃતિક ખેતી પ્રણાલી. વડાપ્રધાનશ્રીના આ અભિગમ સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે પ્રાકૃતિક કૃષિ સંવાદ સેમિનાર અને મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમો થકી ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જે થકી અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિના સંવર્ધન સાથે સારી એવી આવક મેળવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી વિવિધ પાક લઈ રહ્યા છે. ત્યારે મોરબીના ધરમપુર ગામનાં પ્રાકૃતિક ખેતી કરતા મહેશ કુમારે જણાવ્યું હતું કે,”અમારા ગામમા મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા આમારા વડીલો મગફળી એરંડા બાજરી જુવાર કઠોળ વગેરે પાકોનુ વાવેતર કરતા હતા. શરૂઆતમા એક એકરે બાજરીનું ૮૦ મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ગળતીયું ખાતરનો વપરાશ ઘટતો ગયો અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધતો ગયો જેથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. બાજરીમાં એકરે ઉત્પાદન ૮૦ મણ માથી ૫૦-૬૦ મણ થવા લાગ્યું.
અમે રાજ્યપાલના પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં ભાગ લીધો હતો જેના પરથી અમને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને ફાર્મ પર ગાયોનો તબેલો બનાવ્યો અને રાસાયણિક ખાતરની જગ્યાએ ગળતીયું ખાતરનો ઉપયોગ કરવાનું વિચાર્યુ. ઉત્પાદન વેચાણ માટે સોશિયલ મિડીયા દ્વારા જાહેરાત કરી જરૂરિયાત મુજબ સીધું ગ્રાહકને વેચાણ કરું છું. અને વધારાનુ ઉત્પાદન ઓપન માર્કેટમાં વેચું છું.આમ પ્રાકૃતિક કૃષિ કરવાથી ખર્ચ ઘટવા લાગ્યો અને આવકમાં વધારો થવા લાગ્યો. પ્રકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપ્તામાં વધારો થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. શુધ્ધ આહાર ખાવા માટે મળે છે અને પ્રાક્રુતિક ક્રુષિમાં ખર્ચ ઘટવાથી આવક વધારે મળે છે અને જમીન સુધરે છે.
મહેશકુમાર જ્યારે રાસાયણિક ખેતીથી ખેતી કરતા ત્યારે તેમને ૭૪૫૦૦ નો ખર્ચ થતો જેની સામે એક લાખ ૪૫ હજાર જેટલી આવક આવતી જેથી નફાનો ગાળો ૭૧,૫૦૦ જેટલો રહેતો. આજે જ્યારે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે તેમનો ખર્ચ ઘટીને ૬૯,૦૦૦ થઈ ગયો છે જ્યારે સામે આવક વધીને ૧,૯૦,૦૦૦ થઈ ગઈ છે જેથી નફાનો ગાળો પણ વધ્યો છે અત્યારે મહેશકુમાર ૧,૩૧,૦૦૦ જેટલો નફો સરળતાથી મેળવી રહ્યા છે આમ પ્રાકૃતિક ખેતી થકી તેમની જમીનની ગુણવત્તામાં સુધારો થયો છે સાથે સાથે તેમની આવકમાં પણ સારો એવો વધારો થયો છે.