“પી.એમ. આવાસ યોજનાથી પાકું આવાસ બનવાથી સમાજમાં સમાજમાં સન્માનજનક સ્થિતિમાં જીવન ગુજારી શકીએ છીએ”- લાભાર્થી અશોકભાઈ સંધાણી
પહેલાના સમયમાં કોઈ વ્યક્તિને ઘર બનાવવું હોય ત્યારે ઘરના કે કુટુંબના કોઈ મોભીનો ટેકો લેવો પડતો અને એના સહારે જ લોકો ઘરનું ઘર બનાવતા. આજે એ મોભી તરીકેની ભૂમિકા સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નિભાવી રહી છે. ઘર બનાવવું સહેલું નથી ઘરની એક એક ઇંટ સાથે પરિવારે સજાવેલા હોય છે અનેક સપનાઓ. ત્યારે આજે ગરીબ પરિવારોને ઘર બનાવતી વખતે તેમના ચહેરા પર છલકાય છે આત્મવિશ્વાસ અને ખુશી અને આ ખુશી મળે છે સરકારની સહકાર થકી.
મોરબી જિલ્લામાં જેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મળ્યું છે એવા ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામના અશોકભાઈ ખુશાલી સાથે જણાવે છે કે, “મારુ નામ અશોકભાઈ ભગવાનજીભાઈ સંધાણી છે. ૫ સભ્યોના કુટુંબનું હું ગામમાં છૂટક મજુરી કરી ભરણપોષણ કરું છું. મને આવાસ યોજનાનો લાભ મળ્યો એ પહેલા મારું ઘર ગારની માટીનું પતરાવાળું કાચું મકાન હતું, જેથી એ મકાનમાં રહેવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી, શિયાળાની ઋતુમાં ખૂબજ ઠંડી અનુભવાતી તો ઉનાળાની ઋતુમાં ગરમીનો સામનો કરવો પડતો હતો. ચોમાસાની ઋતુમાં મકાનમાં ઘણી જગ્યાએથી પાણી પડતું જેથી અમારી ઘર વખરી સાચવવામાં ખૂબ જ તકલીફ થતી હતી. બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલ પડતી અને રસોઈ બનાવવામાં પણ તકલીફ પડતી હતી. આવી સ્થિતિમાં સામાન્ય બિમારીનો સામનો પણ કરવો પડતો હતો, જેના લીધે દવાખાનાનો ખર્ચ આવે અને આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડતો હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ બનાવવા માટે મંજુરીની સાથે મારા બેંક ખાતામાં ૩૦,૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો જમા થતા આ રકમનાં ઉપયોગથી અમે ઘર બનાવવાની શરૂઆત કરી. મારા આવાસનું બાંધકામ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ મને બીજા હપ્તા પેટે ૮૦,૦૦૦ રૂપિયા લીન્ટલ લેવલ સુધી પહોંસચતાની સાથે મારા ખાતામાં જમા થયા. ત્યારબાદ આવાસનું કામ શૌચાલય સાથે પૂર્ણ કર્યું ત્યારે બાકીના ૧૦,૦૦૦ રૂપિયા મારા ખાતામાં જમા થયા હતા.
આમ આવાસ યોજનાની સાથે સાથે મને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય બનાવવાની ૧૨,૦૦૦ રૂપિયાની સહાય તથા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અન્વયે મારા અને મારા કુટુંબના સભ્યો દ્વારા આવાસ બનાવવામાં કરેલ કામગીરી માટે મજુરી માટે ૯૦ દિવસની રોજગારી પણ મળી છે.
આવાસ યોજના અંતર્ગત મારું પાકું આવાસ બનવાથી અમને શિયાળા, ઉનાળા તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન પડતીમુશ્કેલીઓ દુર થઈ ગઈછે. પાકું આવાસ બની જવાથી બાળકોને અભ્યાસમાં કોઈ અડચણ આવતી નથી અને સમાજમાં પણ એક સન્માન જનક સ્થિતિમાં જીવન ગુજારી શકીએ છીએ. આમ મારા કુટુંબનાં સર્વાંગી વિકાસમાં આ યોજનાની સહાયનો ખૂબજ મોટો ફાળો રહ્યો છે જેના માટે સરકારનો આભાર વ્યક્ત કરું છું”.