મોરબી : ચૂંટણીને લગતી તમામ પરવાનગી એક જ સ્થળેથી અને સમયસર મળે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરાઈ

સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે વિવિધ નોડલ ઓફિસરની નિમણૂંક કરાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ઉમેદવાર / રાજકીય પક્ષોને જાહેરસભા / રેલી / સરઘસ / વાહન / લાઉડ સ્પીકર અને હેલીપેડ જેવી વિવિધ ચૂંટણી લગતી પરવાનગી એક જ સ્થળેથી અને સમયસર મળે તેમજ તે માટે અલગ-અલગ કચેરીઓનો સંપર્ક કરવો ન પડે તે હેતુ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આ કામગીરી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા નોડલ ઓફિસર્સની નિમણૂંક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કક્ષાએ એક તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે એક સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવાના હેતુથી કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાએ તથા તમામ વિધાનસભા મત વિભાગો માટે ચિટનીશ ટુ કલેકટર મોરબીની નોડલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મોરબી ગ્રામ્ય કક્ષાના વિસ્તાર માટે મોરબી ગ્રામ્ય મામલતદાર, મોરબી સીટી વિસ્તાર માટે મોરબી સીટી મામલતદાર, માળિયા તાલુકા વિસ્તાર માટે માળિયા મામલતદાર, ટંકારા તાલુકા વિસ્તાર માટે ટંકારા મામલતદાર તેમજ વાંકાનેર તાલુકા વિસ્તાર માટે વાંકાનેર મામલતદારની સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે પરવાનગી માંગતા રાજકીય પક્ષ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની ઉમેદવારોએ કાર્યક્રમના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલા કચેરીના નોડલ અધિકારી વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ સંબંધિત મામલતદાર કચેરીની ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એકથી વધુ કાર્યક્રમ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. કોઈ વિધાનસભા મત વિસ્તારના કાર્યક્રમની મંજૂરી માટે એકથી વધુ જિલ્લા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થતા હોય તો દરેક જિલ્લા વિધાનસભા મતવિસ્તાર માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે.