મોરબીમાં ફેલાઇ રહેલી ગંદકીને લઈને મોરબી નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. નગરપાલિકાએ નોટીસ બહાર પાડી જ્યાં ત્યાં કચરો નાખનાર દુકાનદારોને ચેતવણી આપી છે.
નગરપાલિકાએ જાહેર નોટીસમાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વેપારી/દુકાનદારોને જાણ કરવામાં આવે છે કે, અમુક વેપારીઓ દ્વારા દુકાનનો કચરો જાહેર રસ્તા પર જ્યાં ત્યાં નાખવામાં આવે છે. જેના કારણે ગંદકી ફેલાઈ છે. જેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૨૭૫ હેઠળ સોલીડ વેસ્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ હેઠળ તમારી સામે કાયદાકીય તેમજ દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.
જેથી આ નોટીસ મળ્યે તાત્કાલિક અસરથી જાહેર રસ્તા પર જ્યાં-ત્યાં કચરો નાખવાનું બંધ કરી આપની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખવો અને ત્યારબાદ મોરબી નગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડીમાં નાખશો. અન્યથા નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધા બંધ કરવા ફરજ પડશે. જેની આથી સ્પષ્ટ નોંધ લેશો.