ભારતમાં દર કલાકે ૧૫ લોકોનાં તથા દરરોજ ૨૦ બાળકોનાં મૃત્યુ અકસ્માતને કારણે થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ જેટલો છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ માર્ગ સુરક્ષાની રીતે ચીન પછી ભારત બીજા ક્રમે છે. આપણા દેશમાં વિશ્વના ૧ ટકા જેટલાં વાહનો છે પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર ૧૦ ટકા જેટલો છે. માટે આજે શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળામાં ધોરણના ૬ થી ૮ ના બાળકોને માર્ગ સલામતી અને ટ્રાફિક સંકેતો વિશે નીચે મુજબની માહિતી આપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..
ટ્રાફિક સંકેત : માર્ગ સલામતીના ભાગરૂપે મહત્ત્વના ટ્રાફિક સંકેતોની જાણકારી મેળવીએ.
ટ્રાફિક સંકેતોના નીચે મુજબ ત્રણ પ્રકાર છે:
૧) ફરજિયાત સંકેત : મુસાફરી દરમિયાન શું કરવું, શું ન કરવું તે અંગેનો આદેશ આપે છે.આ સંકેતોનુ ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે. સામાન્ય રીતે આ સંકેતોને ગોળ આકારમાં દર્શાવેલ હોય છે.
૨) સાવધાની દર્શક સંકેત : રસ્તાના વપરાશકર્તાને આગળના રસ્તાની પરિસ્થિતિ અંગે ચેતવણી આપે છે.સામાન્ય રીતે આ સંકેતોને ત્રિકોણ આકારમાં દર્શાવેલ હોય છે.
૩) માહિતીદર્શક સંકેત : આ નિશાનીઓ વપરાશકર્તાને દિશાઓ અને ગંતવ્ય (સ્થળ) વિશે માહિતી આપે છે.સામાન્ય રીતે આ સંકેતોનો લંબચોરસ આકારમાં દર્શાવેલ હોય છે.
માર્ગ સલામતીની ટિપ્સ :
– રસ્તો ઓળંગતી વખતે હંમેશા પહેલા ડાબી અને જમણી બાજુ જોઈ, વાહન ન આવતું હોય તેની ખાતરી કરીને, ઝિબ્રાક્રોસીંગનો જ ઉપયોગ કરવો.
– સડક અથવા ફુટપાથ ઉપર જ ચાલો.
– વાહન ચલાવતી વખતે હંમેશાં હેલમેટ પહેરો.
– ઝિબ્રાક્રોસીંગ પર ચાલતા પદયાત્રીઓને અગ્રતા આપો.
– બસ-સ્ટેન્ડ પર હંમેશા લાઈનમાં ઉભું રહેવું જોઈએ.
– સડક માર્ગની નિશાનીઓ, ટ્રાફિકના નિયમો જાણો અને તેનું પાલન કરો.
– ડ્રાઈવિંગ કરતી વખતે અથવા માર્ગ ઓળંગતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો.
– ગતિ મર્યાદાનો ભંગ કરશો નહીં.
– રસ્તા પર ક્યારેય રમવું જોઈએ નહીં.
– ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું જોઈએ નહીં.