અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું
આગામી ૨૪ માર્ચના રોજ હોળી તથા ૨૫ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહી તેમજ અસામાજિક પ્રવૃતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૨૪-૦૩-૨૦૨૪ ના કલાક ૦૦-૦૦ થી તા. ૨૫-૦૩-૨૦૨૪ ના કલાક ૨૪-૦૦ સુધી કોઇપણ ઇસમ અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર), રંગ મિશ્રિત પાણી, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા, કાદવ, કેમિકલ યુક્ત રંગો અથવા તૈલી પદાર્થ કે તૈલી વસ્તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો કે વાહન ઉપર ફેંકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર, કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈ પણ પ્રવૃતિ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.