પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર બનતો મોરબી જિલ્લો

આપણા વડાપ્રધાન તથા રાજ્યપાલના અથાક પ્રયત્નોને કારણે ભારતમાં ગુજરાત રાજય પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહેલ છે. એજ રીતે ગુજરાતમાં મોરબી જિલ્લો અગ્રેસર બનવા તરફ આગળ વધી રહેલ છે. મોરબી જિલ્લામાં સામાજિક સંસ્થાઓ, સેવાભાવી ટ્સ્ટો, સામાજિક કાર્યકરો આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ જિલ્લો આર્થિક રીતે સધ્ધર હોવાથી આવી પ્રવૃત્તિઓને વેગ મળેલ છે.

મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા આજે તારીખ ૨૧/૩/૨૦૨૪ને ગુરુવારના રોજ કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે મધુરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરાયેલ.

આ શિબિરમાં ૬૦ તાલીમાર્થીઓને સમાવવાનું આયોજન હતું, જેમાં રજિસ્ટ્રેશન ફરજીયાત હોવા છતા ખેડૂતોના ઉત્સાહને કારણે ૧૦૦ તાલીમાર્થી ઉપસ્થિત રહેલા. ઉપરાંત ૫૦ જેટલા ખેડૂતોને સવિનય ના પાડીને ફરીથી બીજી તાલીમ યોજાય તેમાં સમાવેશ કરવા જણાવેલ.

શિબિરમાં તાલીમાર્થીઓને નિષ્ણાંતો દ્વારા નિશુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવેલ. આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, ભરત પરસાણા, પ્રાકૃતિક ખેતી નિષ્ણાંત દાજીભાઇ, ગીરગંગા ટ્રસ્ટ, એક્સલ ઇન્ડસ્ટ્રીઝ, કિસાનસંઘ વગેરેના નિષ્ણાંતોએ હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ. ગોંડલના ગૌશાળા સંચાલક શરદ ગજેરાએ પોતાની ગૌશાળામાં દેશી ગાયના છાણમાંથી બનાવેલ ધૂપબતીના પેકેટ આપી મહાનુભાવોનું સ્વાગત કરેલ. મધુરમ ફાઉન્ડેશન તરફથી તમામ તાલીમાર્થીઓને દેશી શાકભાજીના ૧૦ પ્રકારના બિયારણનું ફ્રી વિતરણ કરાયેલ.
સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. બપોરના ૧.૩૦ સુધી ચાલેલ તાલીમમાં તાલીમાર્થીઓ રસપૂર્વક બેસી રહેલા.

તાલીમાર્થીઓમાં નિવૃત ખેતીવાડીનાં ઉચ્ચ અધિકારીઓ, આર.એફ.ઓ., ફોરેસ્ટરો, ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો વગેરે પણ સામેલ હતા. તાલીમનું વાતાવરણ દર્શાવતુ હતુ કે પ્રાકૃતિક ખેતી બાબતે લોકોમાં ખુબ જ જાગૃતિ આવેલ છે. લોકોએ મધુરમ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પ્રવૃતિની સરાહના કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રાણજીવન કાલરિયાએ કરેલ.- પ્રાણજીવન કાલરિયા