મોરબી : કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે

પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશ્યથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

        કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) પરીક્ષા સવારે ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધી તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ  બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ કલાક સુધી મોરબી જિલ્લામાં ૪૫ કેન્દ્ર પર યોજાનાર છે. પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઇલેકટ્રોનીકસ ઉપકરણો લઇ જવા નહી તેમજ નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહીં તેવો હુકમ ફરમાવ્યો છે.

આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યક્તિ સમુહ, તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને, (પરીક્ષાર્થીઓના મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.