મોરબીના સીરામીક એસોસીએશન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હુ અવશ્ય મતદાન કરીશ’ અંગે સિગ્નેચર ઝૂંબેશ હાથ ધરાઈ

મોરબીના સિરામીક એસો. હોલ ખાતે સિરામીક એસો.ના ઉપક્રમે ઉદ્યોગો અને કારખાનાઓના મજૂરો તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લો મતદાનમાં પ્રથમ જિલ્લો બને તેવી મોરબીવાસીઓ પ્રત્યે અપેક્ષા રાખું છું. મતદારોને મત આપવામાં કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવનાર છે. ઉપરાંત ૮૫ વર્ષ કે તેથી વધુ ઉમરના વયોવૃદ્ધ લોકો તેમજ દિવ્યાંગો માટે ઘર બેઠા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક મતદાન મથક પર વ્હીલ ચેરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સીરામીક કારખાનાઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ તેમજ કર્મચારીઓ ૭ મી મેના રોજ પ્રથમ મતદાન કરવાનો આગ્રહ રાખે અન્ય કામોને ત્યાર બાદ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. માલિકો અવશ્ય મતદાન કરે તેમજ કારખાનામાં કામ કરતાં કર્મચારીઓને પણ મતદાન કરવા પ્રેરણા આપવી જોઈએ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારત દેશ દુનિયોનો સૌથી મોટો લોકશાહી દેશ છે. લોકશાહી પ્રજા દ્વારા મળે છે. આપણા બંધારણમાં મતદારોને મતદાન માટેની તક આપી છે. વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લ્યે તે બંધારણના ઘડવૈયાઓનો ઉદેશ્ય હતો  તે આપણે પાર પાડી શકીશું. મતદાન કરવું એ આપણી સૌની ફરજ છે અને પરિવારના સભ્યોને, ધંધા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને  મતદાન કરવા પ્રેરીત કરી બંધારણના હેતુ ને ચરિતાર્થ કરવાનો છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે તમામ મતદારો ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રલોભનમાં આવ્યા વિના નૈતિકતાથી મતદાન કરે તે હેતુને પ્રાપ્ત કરવો એ લોકશાહી ઉજવણીનો મુખ્ય ઉદેશ છે.

સીરામીક એસોસીએશન વીટ્રીફાઇડ ટાઇલ્સ ડીવીઝનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભારત દેશમાં લોકશાહીમાં મતદાનનું પણ ખુબજ મહત્વ હોય ૭ મી મે ના રોજ અવશ્ય મતદાન કરીએ.

મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મતદાનની પવિત્ર ફરજ માટે ‘મતદાર જાગૃતી’ ફિલ્મ બતાવવામાં આવી હતી. સાથે “હું મતદાન કરીશ” તે અંગે સિગ્નેચર ઝુંબેશ હાથ ધરાઈ હતી.

આ કાર્યક્રમમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી એન.એ.મહેતા, જી.પી.સી.બી. પ્રાદેશિક અધિકારી મહેન્દ્ર સોની, જિલ્લા ઉદ્યોગકેન્દ્ર અધિકારી મોરી, મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી જે.આર.જાડેજા, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, સીરામીક એસોસીએશન વોલ ટાઈલ્સ પ્રમુખ હરેશભાઈ બોપલીયા, સીરામીક એસોસીએશન ફ્લોર ટાઈલ્સ પ્રમુખ વિનુભાઈ ભાડજા, સીરામીક એસોસીએશન સેનટરીવેર પ્રમુખ કીરીટભાઈ પટેલ, સીરામીક એસોસીએશન પુર્વપ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, મોટી સંખ્યામાં સિરામીક એસો.ના હોદ્દેદારો, વિવિધ એસોસીએશનના આગેવાનો, ઉદ્યોગજગતના અગ્રણીઓ ફેકટરીઓમાં કામ કરતા કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.