મોરબી જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી અંતર્ગત ૧૧૨૯ હથિયારો જમા કરાયા

જિલ્લામાં પરવાના વાળા હથિયારો જમા કરવાની કામગીરી પૂર્ણતાના આરે

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. મોરબી જિલ્લામાં ૩૧ માર્ચ સુધીમાં ૧૧૨૯ હથિયારો જમા કરવામાં આવ્યા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન મુકત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર મોરબી જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્વિત અપવાદ સિવાયના) માટે હુકમ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જિલ્લામાં ૧૨૨૧ પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી ૧૧૨૯ હથિયારો જમા લેવામાં આવ્યા છે. એટલે કે હથિયાર જમા લેવાની ૯૨ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીના ૯૨ જેટલા હથિયારો જમા લેવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.