મોરબીની શાળાઓમાં અમદાવાદના ડો.કશ્યપ પટેલ દ્વારા વિજ્ઞાનની 5000 પુસ્તિકા અર્પણ કરાઈ

મોરબીના નિવૃત શિક્ષક રામજીભાઈ જાકાસણીયાની પ્રવૃત્તિથી પ્રેરાઈને પુસ્તકો અર્પણ કરાયા

મોરબી, લોકો આજે શિક્ષણ માટે કંઈકને કંઈક પ્રવૃત્તિઓ,દાનની પ્રવૃત્તિ કરતા હોય છે.વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વસ્તુઓનું દાન કરતા હોય છે.એવી જ રીતે મોરબીના જેતપર ગામના વતની શિક્ષક રામજીભાઈ જાકાસણીયા નિવૃત થયા પછી પ્રવૃત્ત રહી વિજ્ઞાનના પ્રયોગો કરાવે છે,તેઓ શાળામાં પોતાની વિજ્ઞાનની સ્વનિર્મિત કીટ લઈને જાય છે, ધો.6 થી 8 વિદ્યાર્થીઓને નવિજ્ઞાનના પ્રયોગો કરાવી પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે.સિત્તેર વર્ષની ઉંમરે પણ તેઓ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે.અને તેઓ એમની યૂટ્યૂબ ચેનલ રામજીદાદાની નિશાળ ચલાવે છે અને એના દરરોજ જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગો બાળકો માટે મૂકે છે.

તેમની આ પ્રવૃત્તિથી પ્રેરાઈને અમદાવાદના ડો.કશ્યપ પટેલે મોરબીની જુદી જુદી શાળાઓમાં શોધ વિજ્ઞાન પ્રયોગોની પુસ્તિકા ભાગ – 1 થી 3 5000 નંગ અને 50 વિજ્ઞાનની કિટ અર્પણ કરેલ છે. પુસ્તિકામાં ધો.4 થી 9 ના વિદ્યાર્થીઓ વાંચીને ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત કુદતી બાટલી,ફુંક મારવાથી જ્યોત બુઝાતી નથી, આળસુ ચુંબક,ઝૂલતું પ્રવાહી, સાબુનો પરપોટો,ગલનબિંદુ વગેરે પ્રવૃત્તિઓ દબાણ, બળ,ઘર્ષણ, ગતિ અને શક્તિ ઉપર આધારિત 96 જેટલા પ્રયોગોની સચિત્ર સમજ આપેલ છે,વિદ્યાર્થીઓ માટે 5000 પુસ્તિકા અને 50 વિજ્ઞાન કિટ આપવા બદલ ડો.કશ્યપ પટેલ અને રામજીભાઈ જાકાસણીયાનો તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ વતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આભાર પ્રકટ કરેલ છે.