વાંકાનેર : વિદ્યાર્થીઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન

વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

મતદાન જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોને જાગૃત કરવાના ભાગરૂપે ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મામલતદાર કચેરી દ્વારા વાંકાનેર ખાતે શ્રી કે.કે. શાહ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને મતદાન માટે જાગૃત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે વાકેફ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં વાંકાનેર મામલતદારશ્રી યુ.વી. કાનાણીના નેતૃત્વમાં વાંકાનેરમાં આવેલી કે.કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ ના ૧૨૨ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મોક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર યાદી તૈયાર કરવી, મતદાન મથક તૈયાર કરવું, મતદાન અધિકારીઓને તાલીમ આપવી તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયા સહિતની કામગીરી કરવામાં આવી હતી. બાળકોમાં વિદ્યાર્થી જીવન દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા આવે અને આ બાળકો સહિત તેમના પરિવારજનો પણ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ૧૨૨ વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ભાગ લીધો હતો.

મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી, નાયબ મામલતદારમન્સુરી, શાળાના પ્રમુખ, શાળાના આચાર્ય નિલેશભાઈ ધોકિયા તેમજ સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.