સૌને સો ટકા મતદાન કરી અંધજન મંડળ સંસ્થાને આદર્શ બનાવે તેવી અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી
લોકસભાની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ ખાતે આવેલ અંધજન મંડળ ખાતે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. આગામી ૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લો સમગ્ર દેશમાં મતદાન કરવામાં અગ્રેસર રહે તેવા પ્રયાસો આપણે સાથે મળી સૌએ કરવાના છે.
વધુમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે મતદારો ઘર બેઠા મતદાન કરવા માંગતા હોય તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા તેમજ વાહન, પ્રતિનિધિ કે વ્હીલ ચેરની જરૂરિયાત હોય તેમના માટે પણ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે ૫૫૮ જેટલા દિવ્યાંગ મતદારોએ વ્હીલ ચેરની જરૂરિયાત છે તેમના માટે સંલગ્ન મતદાન બુથ ઉપર વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત અંધ મતદારો માટે બ્રેઈન લિપિની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં કલેક્ટરએ લક્ષ્મીનગર અંધજન મંડળ સંસ્થાના ૧૦૦% સભ્યો મતદાન કરે અને એક આદર્શ બનાવે તે માટે પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ પણ લીધા હતા.
મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, અંધજન મંડળના પ્રમુખ હતિમભાઈ, સંસ્થાના ૧૦૦ થી વધુ દિવ્યાંગ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.