લોકશાહીના પર્વમાં મોરબીનું BONANZA સલૂન બન્યું સહભાગી ચૂંટણી અન્વયે કરી અનન્ય પહેલ
મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અન્વયે વધુમાં વધુ મતદાન થાય અને મોરબી જિલ્લો મતદાન કરવામાં અગ્રેસર રહે તે માટે હાલ જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ મોરબી જિલ્લાના અનેક વેપારી મિત્રો દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં આવેલ BONANZA સલૂન દ્વારા મહિલા મતદારોને મતદાન માટે આકર્ષવા ખાસ ઓફર બનાવવામાં આવી છે. જ્યાં મતદાન કરીને પાર્લરમાં આવનાર મહિલાને ૧૦ કે ૨૦ નહીં પરંતુ ૫૦ % જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ બાબતે મોરબીમાં BONANZA સલૂન મોરબીના હેડશ્રી પાર્થ સીતાપરાએ જણાવ્યું હતું કે, મોરબીમાં અમે BONANZA સલૂન નામે મહિલા બ્યુટી પાર્લર ચલાવીએ છીએ. અમારા BONANZA સલૂને હાલ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયું છે. જે મહિલાઓ મતદાનના દિવસે મતદાન કરીને આવશે અને તેનું પ્રુફ અમને બતાવશે તો અમારા BONANZA સલૂનની રેગ્યુલર સર્વિસીસ જેવી કે, ફેશિયલ હેર સ્પા, હેર કટ વગેરે પર ૫૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમે આ એક પહેલ કરી છે જેથી કરીને વધુને વધુ મહિલાઓ મતદાન તરફ પ્રેરિત થાય, અને નીરસ ન રહી વધુને વધુ મતદાન કરી લોકશાહીના આ અવસરમાં સહભાગી બને.
મતદાનની પ્રક્રિયામાં સામાન્ય રીતે મહિલાઓનું યોગદાન વધે અને મોરબીની મહિલાઓ લોકસભાની ચૂંટણી અન્વયે અવશ્ય પણે મતદાન કરે તે માટે મોરબીના મહિલા બ્યુટી પાર્લર દ્વારા આ એક અનન્ય પહેલ કરવામાં આવી છે.