મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ મોરબી મેડિકલ એસોસિએશનનો જનહિતમાં નિર્ણય
મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં મોરબી જિલ્લાના વિવિધ એસોસિએશન પણ જોડાઈ રહ્યા છે. ત્યારે મોરબીના કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસોસિએશન દ્વારા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરતો એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અન્વયે મેડિકલ એસોસિએશન હેઠળની મોરબી જિલ્લાની તમામ મેડિકલ્સમાં મતદાનના દિવસે મતદાન કરી આવનાર વ્યક્તિઓને દવાઓ ઉપર ૫ થી ૧૦% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ બાબતે કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને શક્તિ મેડિકલના માલિક મેઘરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જ્યારે ચૂંટણીપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ગુજરાતમાં પણ ૭ મી મેના રોજ ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી દ્વારા મોરબી મેડિકલ એસોસિએશનને મતદારોને આકર્ષવા માટે ખાસ ઓફર બનાવવા હાકલ કરી હતી.
જેથી વધુ મતદારોને મતદાન માટે જાગૃત કરવા અમારું કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસોસિએશન પણ ચૂંટણી તંત્રની આ પહેલમાં જોડાયું છે. અમારા સમગ્ર મેડિકલ એસોસિયેશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, મતદાનના દિવસે ૭ મેના રોજ જે લોકો મતદાન કરીને આવે અને તેમની આંગળી પર નિશાન બતાવે તેમને ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ તમામ મેડિકલમાં આપવામાં આવશે જેથી મોરબી જિલ્લાવાસીઓ વધુને વધુ મતદાન કરે એ જ અમારી અભ્યર્થના. આ પહેલ અંતર્ગત મોરબી મેડિકલ એસોસિએશન દ્વારા પણ જિલ્લામાં મતદારોને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.