હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેને ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવું તેમજ કેળ, પપૈયા દાડમ તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી વગેરે પગલા તાત્કાલિક લેવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે આગાહી દરમિયાન કોઈ પણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.