યોગ્ય તકેદારી રાખી લૂ લાગવાની અસરોથી બચી શકાય છે : મોરબી જિલ્લા સહિત હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષા થઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન પણ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુ-પક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જે માટે મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
તરસ ન લાગે તો પણ સતત પાણી પીવું, : રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્રો વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું હિતાવહ છે. વાઈ, હૃદય, કીડની કે યકૃતને લગતી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતાં પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
કામદારો માટે આટલું કરો : કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવુ. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું.
બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવું : શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લો.
લૂ લાગેલ વ્યક્તિને આ સારવાર આપો : જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ. અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જાવ. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય. ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.
કૃષિ અને પશુપાલન વિષયક આટલું કરો : ઊભા પાક ને હળવૂ તેમજ વારંવાર સિંચન કરો. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે લૂ ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિંચાઇ કરો. પશુઓને છાયંડામાં રાખો અને તેમને શુધ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાંસની ગંજીથી ઢાંકો. પ્રોટીન ચરબી વગરનો આહાર આપો ખનીજ દ્રવ્યયુક્ત ખોરાક આપો.
મસાલેદાર અને તળેલા ખોરાકનું સેવન ન કરવું બપોરના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના સમયે બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરો અને ઊઘાડા પગે બહાર ન જાવ. આ સમયે રસોઇ ન કરો કે રસોઈ કરતી વખતે રસોડામાં હવાની અવર જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, કોફી, સૌફટ ડ્રિંકસ ન લો. પ્રોટીનની વધુ માત્રા વાળા મસાલેદાર, તળેલા વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. પાર્ક કરેલા વાહનમાં પાલતું પ્રાણી કે બાળકો ને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ન હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.