મોરબી : નોટીસને ધ્યાનમાં ન લેતા હોય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે

કલેકટર કેબી ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં વિવિધ એકમોમાં સુરક્ષાની અમલવારી માટેની સમીક્ષા બેઠકમાં અપાઈ સૂચના

મોરબી જિલ્લામાં રેસીડેન્સિયલ, કોમર્શિયલ બિલ્ડીંગ, તેમજ કોમ્પલેક્ષ, હોટલ્સ, હોસ્પિટલ, ગેમઝોન, વગેરેમાં ફાયર સેફટી, બી.યુ. પરવાનગી તેમજ એન.ઓ.સી. સહિતના નિયમોની અમલવારી અંગે મોરબી જિલ્લામાં થયેલી કામગીરી બાબતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી કે. બી ઝવેરીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં એન.ઓ.સી. અને ફાયર સેફટી સહિતના નિયમોની અમલવારી અંગે જે એકમોમાં નોટિસ આપ્યા બાદ નિયમો અનુસાર જરૂરી પૂર્તતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યાં આગળની કાર્યવાહી ઝડપથી હાથ ધરવા જણાવ્યું હતું. જે એકમોમાં નોટિસને ધ્યાનમાં લેવામાં આવી ન હોય તેવા એકમોને સીલ કરવાની કાયવાહી કરવા જણાવ્યું હતું. કાયદાની યોગ્ય અમલવારી કરાવવામાં આવે તે માટે પણ તેમણે સૂચના આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે એકમોએ એનઓસીની પ્રક્રિયા હાથ ધરી નથી તેવા એકમોની ફરીથી મુલાકાત લેવા અધિકારીઓને સૂચના આપી હતી. જ્યાં બાંધકામ થઈ રહ્યા છે તેવા એકમોની મુલાકાત લઈ અને બાંધકામ પરવાનગી સહિતના દસ્તાવેજો તપાસવા સૂચના આપી હતી.

નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર દ્વારા જે ડેમોમાં માછીમારીની બોટો છે તેનો સહેલાણી તરીકે ઉપયોગ ન થાય તેમજ જળાશયો પાસે સાઇન બોર્ડ લગાવી ચેતવણી આપવા જણાવ્યું હતું. નવા બની રહેલા એકમોમાં જે એકમોમાં યોગ્ય પ્લાનની અમલવારી થઈ હોય અને ઓથોરિટીની નિમણૂંક હોય તેમને જ બાંધકામ માટેની પરવાનગી આપવા સૂચના આપી હતી.

વધુમાં તેમણે પ્લે હાઉસ, ટ્યુશન ક્લાસીસ એકમોમાં પણ જ્યાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા એકમોને સીલ કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારી ઇમારતોમાં પણ ચેકીંગ હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ઔદ્યોગિક વસાહતોમાં ચેકિંગ હાથ ધરી ઉપયોગમાં લેવાતા કેમિકલોનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ,માર્ગ અને મકાન વિભાગ પી.જી.વી.સી.એલ., ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.