ઓફિસમાં બ્રેક સમય દરમિયાન કરો સૂક્ષ્મ ક્રિયા સાથે યોગાસનો અને મેળવો જબરદસ્ત ફાયદા

તાડાસન અને અર્ધ ચક્રાસન જેવા યોગાસનોથી કરોડરજ્જુ મજબૂત થવા સાથે પીઠના સ્નાયુઓ લચીલા બને છે

ભારતીય સંસ્કૃતિમાં યોગને પ્રતિષ્ઠા મળી છે. માણસના જીવનમાં વિચારો દ્વારા જે સ્પષ્ટ થાય તે જીવનમાં સાકાર કરવાનું કાર્ય યોગ દ્વારા થાય છે. આવી તાકાત યોગમાં રહેલી છે. આજે માણસનું જીવન તનાવયુક્ત બન્યું છે અને રોગ અને દર્દે માણસને ખોખલો બનાવી દીધો છે, ત્યારે તેને માનસિક તણાવમાંથી બહાર નીકળવાનો રસ્તો છે યોગ, નિયમિત યોગ અને કરવા હિતાવહ છે. યોગ સંઘર્ષ પૂર્ણ અને તનાવયુક્ત જીવનશૈલીને પડકારે છે, એટલું જ નહીં પરંતુ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે પણ છે.

હાલના સમયમાં વ્યક્તિ સવારથી સાંજ સુધી વ્યસ્ત રહે છે. ઓફીસમાં વ્યક્તિને કાર્ય સારી રીતે પુરું કરવાનું, ઉપરી અધિકારીઓની સૂચનાનું પાલન કરવાનો, કોર્પોરેટ ક્ષેત્રે લક્ષ્યાંકો પૂરા કરવાનો તનાવ રહેતો હોઈ છે. જે લોકોને સતત ખુરશી પર બેસીને કોમ્પ્યુટરની સામે કાર્ય કરવાનું હોઈ છે તેઓને ગરદન, ખભા,અને કમરમાં દુખાવાની સમસ્યા થતી રહેતી હોય છે. ઘણી વ્યક્તીઓ ઓફિસમાં તનાવ મુક્ત થવા વ્યસનના માર્ગે જાય છે તેને બદલે યોગા કરે તે જરૂરી છે.

આગામી ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં યોગદિનની ઉજવણી કરવામાં આવશે. ૨૦૨૪ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર ઉજવવામાં આવનાર છે ત્યારે યોગિક ક્રિયાઓ માટે મોરબી જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભીએ થોડીક સૂક્ષ્મ ક્રિયાઓ અને યોગાસનો જે ઓફીસમાં થઈ શકે તેવા સૂચવ્યા છે જે ઓફિસની જગ્યામાં આરામથી થઈ શકશે અને તેના લાભ પણ જબરદસ્ત મળશે.

ગરદનની સૂક્ષ્મ ક્રિયા : શરીરને સ્થિર કરી કોઈપણ આરામદાયક સ્થિતિમાં બેસો શ્વાસ ભરતા ગરદનથી આકાશ તરફ જુઓ શ્વાસ છોડતા જમીન તરફ જુઓ શ્વાસ છોડતા ગરદનથી જમણી બાજુ જુઓ શ્વાસ ભરતા સામે તરફ જુઓ શ્વાસ છોડતા ગરદનથી ડાબી બાજુ જુઓ શ્વાસ ભરતા સામે તરફ જુઓ

શ્વાસ છોડતા ગરદન આગળ ઝુકાવો હવે ગરદનને જમણી બાજુથી શ્વાસ ભરતા ડાબી બાજુ ગોળ ગોળ ફેરવો ત્યારબાદ ડાબા થી જમણી બાજુ ગોળ ફેરવો

લાભ:ગરદનની જકડામણ દૂર થાય છે સર્વાઇકલ સંબંધી સમસ્યા દૂર થાય છે

સાવધાની :સર્વાઇકલ હોય તેમણે આગળ ન ઝૂંકવું

હાથની સુક્ષ્મ ક્રિયા : આરામદાયક સ્થિતિમાં કમર ગરદન અને મસ્તક એક લાઇનમાં ટટ્ટાર રાખો બંને હાથ બાજુમાં રાખો, શ્વાસ ભરતા બંને હાથ માથા ઉપર લઈ જાય હથેળી બહાર તરફ રહેશે શ્વાસ છોડતા બંને હાથ નીચે લઈ આવો ત્રણથી પાંચ વાર કરો.

લાભ: હાથના સ્નાયુઓ મજબૂત થાય છે, હાથમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે તેમજ હાથના સાંધાનો દુખાવો દૂર થાય છે.

ખભાની સૂક્ષ્મ ક્રિયા આરામદાયક સ્થિતિમાં બેસો કમર ગરદન અને મસ્તક એક લાઈનમાં ટટ્ટાર રાખો. બંને હાથ ખભા પર રાખો કોણીઓને આગળ બાજુ બાજુમાં લઈ જાવ હવે શ્વાસ ભરતા બંને કોણી ઉપરથી નીચે તરફ ગોળ ફેરવો ત્રણથી પાંચ વખત કરો ત્યારબાદ વિપરીત કરો.

લાભ ખભાના સાંધાનો દુખાવો દૂર થાય છે. ફ્રોજન શોલ્ડર ની સમસ્યા દૂર થાય છે.

કમરની સૂક્ષ્મ ક્રિયા કમર ગરદન અને મસ્તકને એક સીધમાં બેસો શ્વાસ છોડતા કમરથી જમણી બાજુ જુઓ શ્વાસ ભરતા સામે તરફ આવો શ્વાસ છોડતા ડાબી બાજુ જુઓ અને શ્વાસ ભરતા સામે આવો આ ક્રિયા ત્રણથી પાંચ વાર કરો લાભ કમરનો દુખાવો દૂર થાય છે પીઠની અકડામણ દૂર થાય છે.

તાડાસન (બેસીને) આરામદાયક સ્થિતિમાં બેસો શ્વાસ ભરતા બંને હાથને આગળ લઈ ખભાને સમાંતર રાખો. આંગળા વચ્ચે આંગળા પરોવી હથેળી બહારની તરફ રાખો અને બંને હાથને માથા ઉપર લઈ જાવ શરીરને શક્ય તેટલું ઉપર ખેંચાણ આપો શ્વાસ સામાન્ય રાખો શરીરમાં આપેલ ખેંચાણ પર ધ્યાન કેન્દ્રિત કરો થોડીવાર આ સ્થિતિમાં રોકાવું શ્વાસ છોડતા ધીરે ધીરે હાથને નીચે લાવો આરામથી બેસો.

લાભ: શરીરની અકળામણ પીઠનો દુખાવો અને આળસ દૂર થાય છે કરોડરજ્જુ મજબૂત બને છે આખા શરીરમાં ખેંચાણ આવવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે,

અર્ધ ચક્રાસન (બેસીને) આરામદાયક સ્થિતિમાં ટટ્ટાર બેસો બંને હાથ કમર પર રાખો, અંગુઠાને આગળ રાખો શ્વાસ ભરતા કમરથી શક્ય તેટલું પાછળ તરફ ઝૂકો, થોડીવાર રોકાઓ શ્વાસ છોડતા સીધા થઇ મૂળ સ્થિતિમાં પાછા આવો.

લાભ: પીઠના સ્નાયુઓ લચીલા બને છે, થાઇરોઈડ સંબંધી સમસ્યામાં લાભ થાય છે, કમર પીઠ અને ગળાના સ્નાયુઓ મજબૂત અને કાર્યક્ષમ બને છે

પાદ હસ્તાસન(બેસીને) કમર ગરદન અને મસ્તકને એક લાઇનમાં ટટ્ટાર રાખીને બેસો શ્વાસ ભરતા બંને હાથ માથા ઉપર લઈ જાવ હથેળી સામે તરફ રાખો હવે શ્વાસ છોડતા કમરથી આગળ ઝૂકો બંને હાથને પગની બંને બાજુ એક લાઈનમાં રાખો. શ્વાસ ભરતા ધીરે ધીરે ઉભા થાવ બંને હાથને બાજુમાં રાખી આરામદાયક સ્થિતિમાં બેસો.

લાભ: પેટની ચરબી ઘટે છે, કરોડરજ્જુ લચેલી અને મજબૂત બને છે, પીઠની અકળામણ દૂર થાય છે, પેટના અંદરના સ્નાયુઓને મસાજ મળે છે

આસનો અને સુક્ષ્મ ક્રિયા કરતી વખતે ધ્યાનમાં રાખવાની સાવધાનીઓ

દરેક સૂક્ષ્મ ક્રિયા અને આસનો નિષ્ણાંતોની સલાહ લીધા બાદ કરવા. વધુ પડતું કમર દર્દ કે હૃદય સંબંધી બીમારી હોય તો પૂરેપૂરું માર્ગદર્શન મેળવી સુક્ષ્મ ક્રિયાઓ અને આસનો કરવા ચક્કર આવતા હોય પેટમાં સર્જરી કે અન્ય શસ્ત્રક્રિયા કરાવેલ હોય તેમણે કાળજીપૂર્વક તેમજ પોતાની ક્ષમતા મુજબ જ કરવું.