મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, મોરબીના સંયુકત ઉપક્રમે પ્રોપેન અને એલ.પી.જી.ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અનુસંધાને તા. ૧૯/૦૬/૨૦૨૪ થી ૨૭/૦૬/૨૦૨૪ માં સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૯ જેટલા ગૃપ પાડીને મોરબીના દરેક વિસ્તારને આવરી લેવાયા હતા. જેમાં કુલ ૩૦૪ ઔદ્યોગિક એકમો અને ૬૬૦ વ્યક્તિએ ભાગ લીધો હતો.
આ ટ્રેનીંગ દરમિયાન ઉપસ્થિતોને પ્રોપેન અને એલ.પી.જી.ને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાને અન્યને તેમજ માલ-મિલકતને ઓછામાં ઓછું નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ સેફ્ટીના સાધનોનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપી રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
અંતિમ દિવસે એરાકોન વિટ્રીફાઇડ માટેલ ખાતે રાખવામાં આવેલા સેશન દરમિયાન વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મોરબી કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડો. ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા.