મોરબી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના નેતૃત્વમાં અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તા.૦૯/૦૭/૨૦૨૪ નાં રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા જિલ્લા કક્ષાના લાયક દંપતી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં રામધન આશ્રમ ખાતે યોજાયેલા લાયક દંપતી વર્કશોપમાં મોરબી જિલ્લામાંથી ૨૪૦ જેટલા દંપતીઓ/ લોકો અને આશા બહેનો આ વર્કશોપમાં જોડાયા હતા.

આ વર્કશોપ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવેએ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી ઉપરાંત આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતા દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ અંગે છણાવટ કરી કુટુંબ નિયોજન થકી માતા મરણ અને બાળ મરણ પ્રમાણ નીચું લાવી શકાય છે તે બાબતે માહિતી આપી હતી. જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.સંજય શાહ દ્વારા માતા અને બાળ આરોગ્ય તથા સમયસર રસીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં પપેટશો દ્વારા ચાલુ વર્ષના સુત્ર ‘વિકસીત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન’ ઉપર વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. જ્યારે ડો.ડી.વી. બાવરવા દ્વારા આભારવિધિ કરતા પાણી જન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે શું તકેદારી રાખવી તે બાબતે તેમણે વાત કરી હતી.

ઉપરાંત આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાનાં ડી.આઈ.ઈ.સી.ઓ ડી.એમ.સંઘાણી, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર શૈલેષ પારજીયા તેમજ તાલુકા હેલ્થ વિઝીટર એ.ડી.જોશીબેન તથા તેમની ટીમ અને જિલ્લાના સુપરવાઈઝરઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.