મોરબી જિલ્લામાં ૪૦ ગામોની ઉચ્ચ અધિકારીઓએ લીધી આકસ્મિક મુલાકાત

ગામડામાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગેના રિપોર્ટ જિલ્લા કલેક્ટરશ્રીને અપાયા, ગામડાઓમાં પણ કોઈ સમસ્યા ન રહે અને ગ્રામજનોને જિલ્લા કે તાલુકા મથકે ધક્કો ન પડે તે માટે વહિવટી તંત્ર પ્રયત્નશીલ

મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાઓ ૪૦ અધિકારીઓ દ્વારા મોરબીના તમામ તાલુકાના જુદા જુદા ગામોની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.

જેમા મોરબી તાલુકાના ૦૯ ગામો, વાંકાનેર તાલુકાના ૦૬ ગામો, ટંકારા તાલુકાના ૧૧ ગામો, માળીયા(મી) તાલુકાના ૦૭ ગામો, હળવદ તાલુકાના ૦૮ ગામોની મુલાકાત કરવામાં આવી હતી.

આ ગામોની મુલાકાત લેવાનો મુખ્ય ઉદેશ જિલ્લાના છેવાડાના ગામના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેકિંગ સેવા, સિંચાઈ તેમજ પિવાના પાણીની રોડ રસ્તા સહિત સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ મળે મળે છે કેમ ? તે ચકાસવાનો મુખ્ય ઉદેશ હતો. ગ્રામ્ય સ્તરે સરકારના સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારી સમયસર પોતાની ફરજ પર આવે છે કે કેમ ? લોકોને તેમની સેવાનો યોગ્ય લાભ મળે છે કે કેમ? તે બાબત પણ ચકાસવામાં આવી હતી. દરેક ગ્રામના ગ્રામસેવક અને ખેડૂત બંને એકબીજાને અરસ પરસ  ઓળખે છે કે કેમ તેમજ તે ગ્રામસેવક સરકારશ્રીની ખેડુતલક્ષી યોજનાઓની સમજુતી આપે છે કે કેમ? અને ખેડુતોને આ યોજનાનો લાભ મળી રહે છે કે કેમ? તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

મધ્યાહન ભોજનમાં સરકારએ નિયત કરેલ મેનુ પ્રમાણે બાળકોને ભોજન આપવામા આવે છે કે કેમ? અને યોગ્ય ગુણવતા સાથેનો જથ્થો મળે છે કે કેમ? તે બાબતની ચકાસણીની સાથે આંગણવાડીમાં સવારે ગરમ નાસ્તો અને બપોરે ગરમ ભોજન આપવામા આવે છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી હતી.

આરોગ્યલક્ષી સેવાઓ નિયમિત અને યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે છે કે કેમ? અને આ તમામ બાબતોનું સુપરવિઝન થાય અને અનિયમિતતાનો કંટ્રોલ થાય આ માટે તપાસ જરૂરી બની રહે છે. ગામની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ, સભ્યશ્રીઓ તથા આગેવાનો સાથે બેઠક યોજી ગામને સરકારની કઈ સુવિધાઓ અને યોજનાઓની જરૂરીયાત છે તેની ચર્ચા કરી તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નોની રજુઆત મેળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચર્ચાઓ દરમિયાન મુખ્યત્વે લોકો તરફથી ગામના નવા રસ્તા, શહેર સાથે જોડતા નવા રોડ, પુલ બનાવવા તેમજ ગામમા સિંચાઈ માટે નિયમીત વિજળી પાણી તેમજ ગામ માટે પીવાના પાણીના આધુનિક ટેકનોલોજીના સંપ બનાવવાની મુખ્ય રજુઆત મળી છે. જે સંબંધિત વિભાગને મોકલી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

ગામની મુલાકાત દરમ્યાન ૨ (બે) ગામના તલાટી-કમ મંત્રી, ૧ (એક) ગામના શિક્ષક, ૨ (બે) ગામના સસ્તા અનાજના દુકાનદાર, ૧ (એક) ગામના મેડીકલ ઓફીસર, ૨ (બે) ગામના આંગણવાડીના સંચાલક, ૧(એક) ગામના જુનીયર ફાર્માસીસ્ટ, લેબર ટેકનીશીયન, સી.એચ.ઓ., એમ.પી.એચ.ડબલ્યુ ફરજ ઉપર હાજર મળેલ ન હતા તેઓ વિરૂધ્ધ શિસ્ત વિષયક પગલા લઈ  યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જે અધિકારીઓને ગામની મુલાકાત માટે મોકલવામા આવ્યા છે તે જ અધિકારીને પુનઃ ૪૫ દિવસ બાદ તે ગામના લિધેલ પ્રશ્નો બાબતે શુ કાર્યવાહી થઈ છે અને તેમની રજુઆતના પ્રશ્નોની કેટલી પ્રગતિ થયેલ છે તેની ચકાસણી કરવા પુનઃ મોકલવામા આવશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જિલ્લાના તમામ ગામોની આ રીતે મુલાકાત પુર્ણ કરી લોકોના પ્રશ્નો લઈ તેનો નિકાલ કરવામા આવશે. ગામના છેવાડાના લોકોને તાલુકા કે જિલ્લા મથક સુધી આવવુ ન પડે તેમજ ઘરે બેઠા જ પોતાના પ્રશ્નનો નિરાકરણ થાય તે બાબતે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે તેવું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.