મોરબી જિલ્લામાં ગત વર્ષે પ્રાકૃતિક કૃષિની ૬૨ હજારથી વધુ ખેડૂતોને તાલીમ અપાઈ: ૨,૫૨૫ તાલીમ શિબિર યોજાઈ

કલ્સ્ટર બેઝ તાલીમમાં ખેડૂતો એકબીજાના અનુભવ પરથી શીખે છે

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને જિલ્લાના ખેડૂતો પ્રકૃતિ સંવર્ધન સાથેની આ ખેતી પદ્ધતિમાં જોડાય તે માટે ગત વર્ષ દરમિયાન મોરબી જિલ્લામાં ૬૨,૯૩૫ ખેડૂતોને કુલ ૨,૫૨૫ ક્લસ્ટર બેઝ તાલીમ સેશન ગોઠવી મોરબી જિલ્લાની આત્મા કચેરી દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

પ્રકૃતિના સંવર્ધન તેમજ ભવિષ્યની તાતી જરૂરિયાતને ધ્યાન રાખી સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અથવા પ્રાકૃતિક ખેતી અપનાવવા માંગે છે તેમને સરકારશ્રી દ્વારા પૂરતું માર્ગદર્શન અને જરૂરી સહયોગ આપવામાં આવે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં સરકાર દ્વારા ક્લસ્ટર આધારિત તાલીમનો અભિગમ બનાવવામાં આવ્યો છે. જે તાલીમમાં ખેડૂતોને જમીન અને પાકના પ્રકાર, પાણીની સ્થિતિ અને આબોહવા જેવા પરિબળોના આધારે નાના ક્લસ્ટર્સ અથવા જૂથોમાં વિભાજિત કરી તાલીમ આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં આપેલી તલીમની વિગતવાર વાત કરીએ, તો વાંકાનેર તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૩૬૫ તેમજ રવિ પાકની સિઝનમાં ૨૫૮ તાલીમમાં ૧૩,૮૯૩ ખેડુતો, મોરબી તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૪૩૭ તેમજ રવિ પાકની સિઝનમાં ૩૩૮ તાલીમમાં  ૨૧,૨૭૮ ખેડૂતો, માળિયા તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૧૯૦ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૫૭ તાલીમમાં ૮,૮૫૫ ખેડૂતો, ટંકારા તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૨૪૮ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૬૭ તાલીમમાં  ૯,૯૩૬ ખેડૂતો અને હળવદ તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૨૦૬ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૫૯ તાલીમમાં  ૨૧,૨૭૮ ખેડૂતો મળી જિલ્લામાં ખરીફ પાકની સિઝનમાં ૧૪૪૬ તાલીમમાં ૩૪,૩૦૫ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૦૭૯ તાલીમમાં  ૨૮,૬૩૦ ખેડૂતો માટે તાલીમ સેશન ગોઠવી ૬૨,૯૩૫ ખેડુતોને તાલીમ આપવામાં આવી છે.

પ્રાકૃતિક કૃષિમાં ક્લસ્ટર બેઝ તાલીમ અભિગમમાં ખેડૂતો તેમની જરૂરિયાતોને અનુરૂપ તાલીમ મેળવે છે, ખેડૂતો એકબીજાના અનુભવોમાંથી શીખે છે અને જ્ઞાન વહેંચે છે. તાલીમ અનવ્યે ખેડૂતોને અનુભવી ખેડૂતો અથવા નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને સમર્થન મળી રહે છે. આ અભિગમ ખેડૂતો વચ્ચે જ્ઞાનની વહેંચણી, કૌશલ્ય વિકાસ અને સામૂહિક પ્રગતિની સુવિધા આપે છે, જે પ્રાકૃતિક ખેતી પદ્ધતીને વધુ સારી રીતે અપનાવવામાં ખેડૂતોને મદદરૂપ બને છે અને સફળતા તરફ દોરી જાય છે.