મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરાશે

સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, 
જિલ્લા અને તાલુકા કક્ષાના રાષ્ટ્રભક્તિનો પર્વમાં મોટી સંખ્યામાં નગરજનોને ઉપસ્થિત રાખવાનું આયોજન કરવા કલેકટરની સૂચના, સ્વતંત્રતા પર્વ પૂર્વે જિલ્લામાં દેશભક્તિની થીમ સાથે નિબંધ, ચિત્ર તેમજ વકૃત્વ સ્પર્ધાઓ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે

મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ – મોરબી જિલ્લાના જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની રંગે-ચંગે ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિનની મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમની સાથે સમગ્ર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે તેવા હેતુથી કલેક્ટરએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે મંડપ, ડેકોરેશન અને રોશની, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થાઓ, ડાયસ, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધીત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગે તે માટે રાષ્ટ્રીય પર્વ અંગે વધુમાં વધુ પ્રસાર પ્રચાર થાય, સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ તેમજ યોગાને સવિશેષ મહત્વ આપવામાં આવે, રાષ્ટ્રભક્તિના પર્વમાં જિલ્લામાંથી વધુને વધુ લોકો સહભાગી બને, સ્વતંત્રતા પર્વ પૂર્વે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાષ્ટ્ર ભક્તિની થીમ સાથે નિબંધ ચિત્ર વકૃત્વ વગેરે સ્પર્ધાઓ યોજાય અને આ ૧૫મી ઓગસ્ટના રોજ રાષ્ટ્ર ભક્તિનો આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય બને અને લોકો માટે હંમેશા માટે યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ સહિત સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રઓ ઉપસ્થિત રહ્યા હતા.