મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

માં સરસ્વતીની વંદના, મહેમાનોના પરિચય અને સ્વાગત તથા બાળકોના અભિનય ગીત બાદ કાર્યક્રમની પ્રસ્તાવના મૂકતાં મોરબી શિશુમંદિરના નિયામક શ્રી સુનિલભાઈ પરમારે કહ્યું કે મહર્ષિ દયાનંદની આ જન્મભૂમિ ઘણા વર્ષોથી આવા દિવ્યકાર્યની રાહ જોતી હતી. જે આજે શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાભારતી નામનું શૈક્ષણિક સંગઠન શિક્ષણ દ્વારા સમાજ પરીવર્તનનું કામ કરે છે. શિશુમંદિરો અર્થોપાર્જન માટે નહીં પરંતુ બાળકના જીવન વિકાસ માટે છે. શિક્ષણ વિશે તેમણે કહ્યું કે માણસની નિર્દોષતા કાયમ રહે તથા જ્ઞાનમાં ઊતરોતર વૃદ્ધિ થાય, શિક્ષણદ્વારા પ્રથમથી જ રહેલ જ્ઞાન ને બહાર લાવવું વેદોના જ્ઞાનને પ્રાપ્ત કરવું. આને માટે ભગવાને જે સાધનો આપ્યા છે તે કર્મેન્દ્રિઓ દ્વારા કુશળતા વધારવી, જ્ઞાનેન્દ્રિઓ દ્વારા અનુભવ જન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું તથા સંસ્કાર અને ચારિત્ર્યનું નિર્માણ થાય તેવું શિક્ષણ શિશુમંદિરોમાં અપાય છે.
કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વભાઈ મણિયારે તેમના વક્તવ્યમાં કહ્યું કે આજે રોપાયેલું બીજ ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બની ફળ-ફૂલ અને છાંયડો આપશે. ૧૯૫૨માં ગોરખપૂરમાં પ્રથમ શિશુમંદિરથી શરૂ થયેલું આ કાર્ય આજે પૂરા દેશમાં ફેલાયેલું છે. ભૂતકાળમાં આપણે ત્યાં ગુરુકુળ પરંપરાની શિક્ષણવ્યવસ્થામાં સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા. ગુલામીની અવસ્થાને કારણે આજે પણ ભણીને આપણાં વિદ્યાર્થીઓ વિદેશોમાં જાય છે જે અટકાવીને સમાજ અને રાષ્ટ્રપ્રત્યેનું ઋણ ચૂકવે તેવા વિદ્યાર્થીઓ નિર્માણ કરીને ભારતને વિશ્વગુરુ બનાવવો તે આ શિશુમંદિરનો ઉદેશ છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈએ આજના પ્રસંગે શુભેચ્છા પાઠવતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુ સંસ્કૃતિનો અભ્યાસ કરાવતા આ શિશુમંદિરોને મારો તથા સરકારનો તન-મન-ધનથી સહયોગ હશે.
વાજતે – ગાજતે હનુમાનજી ના મંદીરથી મહેમાનો તથા ગામજનો શોભાયાત્રાના સ્વરૂપમાં શિશુમંદિરએ પહોચ્યા. જ્યાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિદ્યાભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ અપૂર્વભાઈ મણિયાર, જયંતિભાઈ રાજકોટિયા, ભવાનભાઈ ભાગીયા, જગદીશભાઈ પનારા, જગદીશભાઈ કણસાગરા વગેરે એ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું.
મોરબી શિશુમંદિર ટ્રસ્ટના મંત્રી જયંતિભાઈ રાજકોટિયાનું આ શિશુમંદિર શરૂ કરવામાં પ્રેરણાદાયી માર્ગદર્શન રહ્યું. આ કાર્યક્રમમાં મોરબીના વ્યવસ્થાપક રમેશભાઈ અઘેરા, દીપકભાઈ વડાલિયા, શ્રીમતિ લતાબહેન ગઢીયા, મહેશભાઇ જાની તથા પરેશભાઈ મોરડીયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મહેમાનોનો પરિચય બેચરભાઈ ગોધાણી તથા આભારદર્શન જયેશભાઈ વિરસોડિયાએ કર્યું તથા કાર્યક્રમનું સંચાલન ડાયાલાલ બારૈયાએ કર્યું હતું.