મેંગ્રુવના વિસ્તારમાં ગુજરાત બીજા નંબરે; ગુજરાતમાં ૧૧૭૫ ચો. કીમીમાં છે મેંગ્રુવ વન વિસ્તાર
– અન્ય વન કરતા મેંગ્રુવના વનમાં ૧૦% ગણી કાર્બન ડાયોક્સાઈડ સંગ્રહ કરવાની શક્તિ : દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે
– માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો વિગેરે જેવી ૧૫૦૦ થી વધુ દરિયાઈ જીવ સૃષ્ટિનું આશ્રય સ્થાન
૨૭ જુલાઈ વિશ્વ મેંગ્રુવ સંરક્ષણ દિવસ અંતર્ગત ચેર રેંજ મોરબી વન વિભાગ દ્વારા માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે વિશ્વ મેંગ્રુવ (ચેર ) સંરક્ષણ દિવસ- ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી પ્રસંગે ચેર – મેંગ્રુવ બાબતે સ્કૂલના વિદ્યાર્થીઓ, દરિયાઈ વિસ્તારોની આસપાસ આવેલ ગામના સરપંચ, મીઠા ઉદ્યોગકારો વગેરેને મેંગ્રુવ – ચેર વૃક્ષોના મહત્વની સમજ આપી મેંગ્રુવ – ચેર વૃક્ષ સંરક્ષણ કરવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ચેર સંરક્ષણ દિવસની ઉજવણી અન્વયે મોરબી વન વિભાગ દ્વારા મેંગ્રુવના મહત્વ અંગે જાગૃતિ ફેલાવતી અને માર્ગદર્શન આપતી શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
મેંગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ચેર રેંજ મોરબીના આર.એફ.ઓ.શ્રી સી.જી. દાફડા તેમજ અન્ય ફોરેસ્ટ સ્ટાફ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબીના અધિકારીશ્રી સોની તેમજ અન્ય પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, મીઠા ઉદ્યોગકારો, સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી વુક્ષારોપણ કર્યું હતું.
ગુજરાતમાં મેંગ્રુવ-ચેર વન આવરણ:- પશ્ચિમ બંગાળ પછી મેંગ્રુવ કવરમાં ગુજરાત બીજા નંબરે આવે છે, જે એક ગૌરવની બાબત છે, ગુજરાતમાં કચ્છના અખાત, ખંભાતના અખાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેંગ્રુવના વિસ્તાર આવેલા છે. ગુજરાતમાં અંદાજિત ૧૧૭૫ ચો. કીમી.માં મેંગ્રુવનો વન વિસ્તાર આવેલો છે.
મેંગ્રુવ વનના ફાયદા
મેંગ્રુવએ દરિયા તથા જમીનની વચ્ચે આવેલ એક ગ્રીન વોલ છે, જે ધોવાણ અટકાવે છે, કુદરતી આફતો જેવી કે ત્સુનામી, વાવાઝોડા સામે રક્ષણ આપે છે, દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે. વિવિધ પ્રજાતિઓ જેવી કે, યાયાવર પક્ષીઓ, માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો વિગેરે જેવી લગભગ ૧૫૦૦ પ્રજાતિઓને રહેઠાણ (આશ્રય ) પૂરો પાડે છે. અન્ય જમીન પરના વનો કરતા મેંગ્રુવની કાર્બન સંગ્રહ ક્ષમતા લગભગ ૧૦ ગણી વધુ હોય છે, એટલે કે એક ચો.કીમીમાં આવેલ મેંગ્રુવ વનએ જમીન પર આવેલ ૧૦ ચો કીમી વન જેટલો કાર્બનનો સંગ્રહ કરે છે, આ ઉપરાંત દુષ્કાળના સમયમાં પણ મેંગ્રુવ માલઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે.