ગુજરાત સરકાર દ્વારા ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટસ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧ તા.૧૩-૦૯-૨૦૨૨ ના રોજ અમલમાં મુકવામાં આવી છે. આ એક્ટ અન્વયે રાજ્યમાં તા.૨૬-૦૯-૨૦૨૨ ના રોજ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટસ (રજીસ્ટ્રેશનએન્ડરેગ્યુલેશન) રૂલ્સ ૨૦૨૨ ઘડવામાં આવ્યા. જે તા.૨૮-૦૯-૨૦૨૨ ના ગેઝેટ નોટીફીકેશન થી પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,સચિવાલય ગાંધીનગર દ્વારા હોસ્પિટલના રજીસ્ટ્રેશન કરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નિયમો મુજબ રાજ્યમાં તબીબી સંસ્થાઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઇ શકે તે માટે પોર્ટલ કાર્યાન્વિત કરવાની કામગીરી હાલ આખરી તબક્કામાં છે. ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટસ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન)એક્ટ-૨૦૨૧ ની કલમ-૨(ગ)ની ચિકિત્સા સંસ્થાની વ્યાખ્યામાં આવતી તમામ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન પોર્ટલ કાર્યાન્વિત થાય ત્યાં સુધી આ કામગીરી ઓફલાઈન માધ્યમથી કરવા જણાવવામાં આવ્યું છે.
જેથી મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની સુચના અનુસાર મોરબી જિલ્લાની તમામ ચિકિત્સા સંસ્થા જેવી કે ક્લીનીક, પોલીક્લીનીક, હોસ્પિટલ, મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રના હેતુ માટે અરજદારે એનેક્ષર ૭ માં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા કદની ચિકિત્સા સંસ્થાઓ માટે ભરેલી જરૂરી માહિતી અને ફી સાથે રૂબરૂ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ને અરજી કરવાની રહેશે. દરેક ચિકિત્સા સંસ્થાએ રજીસ્ટ્રેશનની કામગીરી દસ દિવસમાં પૂરી કરવાની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.