“દીકરીઓ ઉંચા ધ્યેય રાખી સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે” કલેક્ટર કે.બી. ઝવેરી
મોરબી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અન્વયે શાળાની બાળાઓ તેમજ તેમના વાલીઓને માર્ગદર્શન આપવા મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ સરોજબેન ડાંગરોચાના અઘ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મહિલા બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ કરવામાં આવે છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલા સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ વર્ષે ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સાહ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અન્વયે મોરબીમાં શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ નારી શક્તિની વાત કરતા જણાવ્યું હતું કે, વેદ પુરાણમાં કહેવાયું છે કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. હાલ સમાજનું ચિત્ર બદલાયું છે, અનેક કુરિવાજો દુર થઈ ગયા છે. ભૃણ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા, દીકરીઓના શોષણ વગેરે અંગે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે અને સરકાર તેમજ સમાજના સહકાર થકી મહિલાઓનું સ્થાન બદલાઈ રહ્યું છે.
મહિલાઓ પગભર બને તે માટે શિક્ષણને મહત્વ આપતા તેમણે દરેક દીકરીઓને લક્ષ્ય નિર્ધારિત કરી અભ્યાસ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે દીકરીઓ ઉંચા ધ્યેય રાખી સપનાની ઉડાન ભરો, સરકાર તમારી સાથે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે મહિલાઓએ દરેક ક્ષેત્રે નામ કર્યું છે, મહિલાઓ આજે રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, IAS, IPS અને પાયલોટ જેવા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી ચૂકી છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે દ્વારા સ્ત્રી ભૃણ હત્યા, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ, બાળ સુરક્ષા એકમના રંજનબેન દ્વારા પૉક્સો એક્ટ તેમજ મેડિકલ ઓફિસર આશાબેન જીવાણી દ્વારા Menstrual Hygiene પર કિશોરીઓને સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય દીપ્તિબેન અગ્રાવતે કરી હતી.