મોરબી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોમાં ન્યૂઝ વાચનની સુટેવ કેળવાય તે હેતુથી મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ પ્રેરિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોરબી જિલ્લામાં એક સકારાત્મક પહેલ શરૂ કરવામાં આવી છે
જેમાં મોરબી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં પોઝિટિવ ન્યૂઝનું વાચન થાય જેમાં રમત ગમત, પર્યાવરણ અને જનરલ નૉલેજ સંબંધીત સમાચારોનું શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન થાય તેની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત તારીખ ૦૧/૦૮/૨૦૨૪ના રોજ વાંકાનેર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના કાર્યક્રમમાં પોઝિટિવ ન્યૂઝનું વાચન કર્યું હતું.
વાંકાનેર તાલુકાના ઉત્સાહી શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા અને જિતેન્દ્રભાઈ પાંચોટિયાએ સાથે મળીને સમાચારોનું સંકલન કરીને પોઝિટિવ ન્યૂઝની એક પી.ડી.એફ. તૈયાર કરી હતી. બી.આર.સી. કૉ.ઑ. મયૂરસિંહ પરમાર દ્વારા આ પી.ડી.એફ. વાંકાનેરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્હોટ્સએપના માધ્યમથી પહોંચાડવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. જે.જી.વોરાએ પોઝિટિવ ન્યૂઝની સરાહના કરી હતી.