મોરબી : સ્વતંત્રતા પર્વે જિલ્લાની મહત્વની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠશે

કલેકટરના માર્ગદર્શન હેઠળ મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

      આગામી ૧૫ ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉમંગભેર ઉજવણી થાય અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવિશેષ બની રહે તેવા હેતુથી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ સાથે કાર્યક્રમની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

      આ બેઠકમાં સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તમામ તૈયારીઓની વિગતો મેળવી પ્રાંત અધિકારીશ્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ પરેડ પ્લાટુન, સુશોભન અને શણગાર, આંતરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓના સન્માન સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે સ્વતંત્રતા પર્વની ઉજવણી અન્વયે જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચલાવવા તેમજ જિલ્લાની મહત્વની તમામ સરકારી કચેરીઓને રોશની અને શણગારથી સજાવવા પણ જણાવ્યું હતું.

      આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની છણાવટ કરી આગળના આયોજનની વિગતવાર માહિતી રજૂ કરી હતી.