મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવે તેમજ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, મૌલિકતા, જીવનવ્યવહારના વિવિધ કૌશલ્યો વગેરેનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા ઉમદા હેતુથી મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળમેળો તેમજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળમેળામાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ, રંગપુરણી, ચીટકકામ, છાપકામ, માટીકામ, વેસ્ટ માંથી બેસ્ટ વગેરે પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે લાઈફ સ્કીલ મેળામાં વજન-ઊંચાઈ, કુકર ખોલવું/બંધ કરવું, ખીલી અને સ્ક્રુ લગાવવો, બટન ટાંકવા, ઈસ્ત્રી કરવી, ફ્યુઝ બાંધવો વગેરે જેવી પ્રવૃત્તિઓ નિહાળી તેને શીખવાનો પ્રયત્ન કર્યો સાથે વિવિધ ખાણી-પીણીના સ્ટોલમાં ભાગ લઈ વિવિધ વસ્તુઓ બનાવવી અને તેના વેચાણ અંગેના અનુભવો મેળવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને અન્ય શિક્ષકોએ બાળમેળા અને લાઈફ સ્કીલ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.