મોરબી કલેક્ટરની સૂચનાથી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત લેવાઈ

કચેરી સમય દરમિયાન ગેરહાજર ૧૮ અધિકારી/કર્મચારીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા મોરબી કલેક્ટરશ્રીનું ફરમાન

      મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની સુચનાનુસાર વિવિધ નાયબ કલેક્ટરઓની ટીમ બનાવીને તા.૦૮/૦૮/૨૦૨૪ના રોજ ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે તથા જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ ખાતેની જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.

      કલેક્ટરની સૂચના હેઠળ મોરબીમાં સિવિલ હોસ્પિટલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, S.S.N.L.ની વિવિધ બ્રાંચ કેનાલની કચેરીઓ, S.S.N.L.ડિવિઝનલ ઓફિસ, સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટની કચેરી, ના.કા.ઇ. યોજના બાંધકામ પેટા વિભાગ તથા ના.કા.ઇ. ક્ષાર અને અંકુશ પેટા વિભાગની કચેરી ખાતે તપાસણી કરવામાં આવી હતી.

      જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ ૧૮ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હતા. આ તપાસણી દરમિયાન જે અધિકારી/કર્મચારીઓ કચેરી સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી-કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત ઈન્ચાર્જ અધિકારીઓ કચેરીમાં કયા દિવસે હાજર રહે છે તેનું બોર્ડ લગાવવા પણ સુચના આપવામાં આવી હતી તેવું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.