મોરબી : ૭૦ સ્ટોલ રાખી મહિલાઓ દ્વારા હસ્ત કળાની વસ્તુઓ, ગૃહ સુશોભનની વસ્તુઓનું વેચાણ શરુ

મહિલા કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ અર્થેના મેળાનો ધારાસભ્ય અને કલેક્ટરની ઉપસ્થિતિમાં શુભારંભ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા મહિલા કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓના વેચાણ અર્થે આયોજીત મેળાનું મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ થી તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મોરબી ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અર્થે સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની છણાવટ કરી હતી. મેળામાં વેચાણ અર્થે આવેલ મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવેલી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટર કે.બી. ઝવેરીએ મહિલાઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહીલાઓ પગભર બને તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં મહીલાઓ આર્થિક ઉપાર્જન કરી પગભર બની શકે તે માટે આ પ્રકારના મેળા ખૂબ મહત્વના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ ઓગસ્ટ સુધી આ મેળો ચાલનાર છે. જેમાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મહિલા કારીગરોએ સ્ટોલ રાખ્યા છે. આ સ્ટોલ પર મહિલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિઘ હસ્ત કળાની વસ્તુઓ, સાડી અને અન્ય કપડાઓ, કટલેરી, તોરણ અને ટોડલિયા સહિત ઘર સુશોભનની વસ્તુ સહિતની સામગ્રી વેચવામાં આવી રહી છે. જેથી મહિલા કારીગરોના ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લાના લોકોને આ મેળાનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે.