ટંકારા તાલુકાના નાગરિકો થયા સહભાગી; હોંશે હોંશે લહેરાવ્યો તિરંગો
સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અન્વયે ટંકારા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તિરંગાનું સન્માન કરી તિરંગા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને વધુ અહોભાવ ઉત્પન્ન કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા યાત્રામાં મોરબી જિલ્લો પણ રંગે ચંગે સહભાગી બન્યો છે. ત્યારે તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ સવારે ટંકારા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્યની સાથે અનેક સ્થાનિક આગેવાનો, ટંકારા તાલુકાના નાગરિકો તેમજ વિવિધ શાળાના બાળકો હોંશે હોંશે સહભાગી થયા હતા. સૌએ મોજથી તિરંગો લહેરાવી દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.