મોરબી : 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભરમાં દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીમાં સામાજિક સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને સર્વધર્મ સંમભાવનો મેસેજ આપી કાયમ દેશભાવના ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી.કોમઁશ કોલેજ ના વિદ્યાર્થીઓના સહયોગથી સ્કાય મોલ ખાતેથી ભવ્ય 1 હજાર ફૂટ થી વધુ લાંબા તિરંગા સાથેની તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બેન્ડ બાજાની સુરાવલી સાથે દેશભક્તિનો રંગ ઘૂંટાયો હતો. 1 હજાર ફૂટ લાંબા તિરંગાને ગરિમાસભર રીતે માથે લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ માથે તિરંગો લઈને શિસ્તબધ રીતે ચાલી શહેરનું પરિભ્રમણ કર્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, 15મી ઓગષ્ટ આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ નવી પેઢી એટલે વિદ્યાર્થીઓમાં દેશભક્તિ કેળવાય અને વિદ્યાર્થીઓમાં અત્યારથી જ રાષ્ટ્ભાવના જાગૃત થાય તે માટે આ 1 હજાર ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ પોતાના માથે તિરંગો લઈને શિસ્તબદ્ધ રીતે ચાલતા હોય ઉપર ડ્રોન કેમેરાથી તિરંગો ગૌરવભેર લહેરાયેલો જોવા મળ્યો હતો. આ દેશની આન, બાન, શાનને બધા નાગરિકોએ ગૌરવભેર સલામી આપી શત શત નમન કર્યા હતા.