મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કૅમ્પસમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તથા ‘હર ઘર તિરંગા’ થીમ પર 78મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કૅમ્પસ આઝાદીના રંગે રંગાઈ ગયાં. “હર ઘર તિરંગા”ની થીમ પર સ્વાતંત્ર્ય પર્વની પૂરા જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. નવયુગ વિદ્યાલય મોરબી મુકામે શ્રી જિતેન્દ્રભાઈ વિરમગામા (આર.એસ.એસ. જિલ્લા બૌધિક પ્રમુખ)ના હસ્તે ધ્વજવંદન થયું અને તેમણે દેશભક્તિ સાથે આજની વિકટ પર્યાવરણીય સમસ્યાના હલ માટે “એક વૃક્ષ મા કે નામ” અભિયાનને વેગ અપાવની હિમાયત કરી. નવયુગ સંકુલ વિરપર મુકામે શ્રી જયંતિભાઈ પડસુંબિયા (વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરીક્ષા- પ્રાંત સંયોજક)ના હસ્તે ધ્વજવંદન થયું. તેમણે દેશની પ્રગતિની વાત કરી તથા નવયુગ પ્રિ-સ્કૂલ ઇન્ટરનેશનલ મુકામે ભાવિષાબેન સરડવા (રાષ્ટ્ર સેવિકા સમિતિ)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. પ્રમુખ શ્રી કાંજીયાસાહેબે પોતાની આગવી શૈલીમાં ભાષણ આપતાં કહ્યું “ આજે દુનિયા ડામાડોળ છે ત્યારે ભારત સ્થિરતાથી આગળ વધી રહ્યો છે, દેશની આંતરિક સુરક્ષા માટે યુવાનોએ અગ્નિવીર બનવાની જરૂર છે”.
ધ્વજવંદનની સાથે દરેક કૅમ્પસમાં NCCની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી. દેશભક્તિથી ઓતપ્રોત વાતાવરણમાં કે.જી.થી કૉલેજ સુધીના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો થયાં. સમૂહગાન, લોકગીત, પર્યાવરણ જાગૃતિ ડ્રામા, થીમ બેઝ ડાન્સ, વક્તૃત્વ, સલાડ ડેકોરેશન, સ્ક્રેચ એન્ડ પૅન્ટિંગ, ક્રાફ્ટ વર્ક, રમતગમત તથા સ્વચ્છતા માટે જનજાગૃતિ રેલી જેવા કાર્યક્રમો થયા. સોશિયલ મીડિયા ફેમસ તથા શાળાના વિદ્યાર્થી બોપલિયા ભવ્ય દ્વારા તેજાબી સ્પીચ આપવામાં આવી.
બધા કાર્યક્રમનું આયોજન સરકારની ગાઈડલાઇન મુજબ, ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાંનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.