“વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબીને ગ્રોથ એન્જિન બનવવા કટિબદ્ધ બનીએ” -કલેક્ટર કે.બી. ઝવેરી
કલેક્ટર કે.બી. ઝવેરીના વરદ હસ્તે ધ્વજવંદન થયું : દેશ ભક્તિનાં કાર્યક્રમોએ સૌને દેશ પ્રેમમાં તરબોળ કર્યા; વ્યક્તિ વિશેષશ્રીઓનું થયું સન્માન, મોરબી તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૨૫ લાખનો ચેક અર્પણ
મોરબીમાં અનેરા ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપતા કલેક્ટરએ આઝાદીની ચળવળમાં જોડાયા સ્વાતંત્ર વીરો અને આ લડતમાં બલિદાન આપી શહિદ થયેલા વીરોને શત શત નમન કરતા જણાવ્યું હતું કે, આ વિરલ વિભૂતિઓની વર્ષોની આઝાદીની લડતના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતના આ મીઠા ફળ ખાઈ શકીએ છીએ. ત્યારે ભારતને સ્વતંત્રતા અપાવનાર તમામ એ વીરો અને અત્યારે દિવસ-રાત જોયા વિના સરહદ પર દેશનું રક્ષણ કરી રહેલા તમામ સૈનિકોને હું નત મસ્તક વંદન કરું છું. હર ઘર તિરંગા અભિયાનમાં મોરબી જિલ્લાએ જે જોમ જુસ્સો દેખાડ્યો તે માટે પણ હું જિલ્લા વાસીઓનો આભાર વ્યક્ત કરું છું.
૨૦૪૭ માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની સાથે વિકસિત મોરબીના સ્વપ્ન વિશે કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, જેમ વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન બની રહ્યું છે, તેવી જ રીતે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબી જિલ્લો ગ્રોથ એન્જિન બની રહે, મોરબીના લોકો શિક્ષણ રોજગારી સહિતના ક્ષેત્રે અગ્રેસર રહી સુખી અને સમૃદ્ધ બને તે માટે સૌએ કટિબદ્ધ બની વહીવટી તંત્રને સહકાર આપી આ વિકાસ યાત્રામાં સહભાગી બનવા જિલ્લા વાસીઓને અનુરોધ કર્યો હતો.
મોરબીના ઔદ્યોગિક વિકાસ અને મહત્વની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાનો સિરામિક ઉદ્યોગ ચીન જેવા દેશને હંફાવાની તાકાત ધરાવે છે. ત્યારે હાલ મોરબી જિલ્લો વિકાસના માર્ગે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે. મોરબી જિલ્લામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજ, જીઆઇડીસી સિરામિક પાર્ક, ગતિ શક્તિ ટર્મિનલ, નવલખી બંદર ખાતેની નવી જેટી, મોરબી-હળવદ તેમજ મોરબી-જેતપર-અણીયારી રોડ સહિતના વિકાસકામોની કલેક્ટરએ વિગતે વાત કરી હતી. લોકોની સલામતી અર્થે મચ્છુ-૨ ડેમના બદલવામાં આવેલા ૫ (પાંચ) દરવાજા અંગે પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત પ્રજાના કલ્યાણ માટે તેમજ ગ્રામજનોની સુવિધા ઉપરાંત ગામડાના લોકોને જિલ્લા કે તાલુકા મથકે ધક્કો ન ખાવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને લેવામાં આવી રહેલા નવીનતમ પગલાઓ અંગે વિસ્તાર પૂર્વક છણાવટ કરી હતી. વધુમાં તેમણે જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, આયોજન, શિક્ષણ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પુરવઠા સહિતના વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણકારી કામોની વિગતે વાત કરી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉજવણી અન્વયે કલેક્ટરશ્રીએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોએ દેશ ભક્તિના રંગેમાં સૌને તરબોળ કરી દે તેવા રાષ્ટ્ર પ્રેમને સમર્પિત ‘ઓ દેશ મેરે’, ‘વિજય ભવ’, ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં’, ‘જય જવાન જય કિસાન’, ‘એસા દેશ હે મેરા’, ‘યોગા ડાન્સ’ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. વિદ્યાર્થીઓ યોગ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કલાના કામણ પાથર્યા હતા. આ પ્રસંગે મોરબી તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ઉપરાંત જિલ્લાના રમતવીરો અને આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર અને જિલ્લાના પદાધિકારી / અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ મોરબીના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.