મોરબી કલેકટર કે.બી.ઝવેરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આપી સૂચના
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે. ત્યારે મોરબી કલેકટર કે.બી.ઝવેરીએ તમામ અધિકારીઓ કર્મચારીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.
કલેકટરએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડેમમાંથી વધુ પાણી આવકના સંજોગોમાં ડેમ સાઈડના અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે. તદુપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવાયું છે.